કડીમાં તસ્કરોનો આતંક:ચોરો શાળામાંથી ગેસના બાટલા અને ટેબલેટ લઈ રફૂચક્કર; આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી

કડીએક મહિનો પહેલા

કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા એક મહિનામાં જુદા-જુદા વિસ્તારોમાં તસ્કરોએ માઝા મૂકી છે. ત્યારે હવે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દ્રાડ ગામે તસ્કરોએ શાળા પણ બાકી નથી રાખી. જ્યારે શાળાના મધ્યાન ભોજનનું તાળું તોડી ગેસના બાટલા તેમજ ટેબલેટ લઈને રફુચક્કર થઈ જતા શાળાનાં આચાર્ય નંદાસણ પોલીસ ખાતે દોડી ગયા હતા.

બે ગેસના બાટલા, બે ટેબલેટની ચોરી કરી રફુચક્કર
કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા એક મહિનામાં 17થી વધુ મકાનોના તાળું તોડી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ જતા મહેસાણા જિલ્લા પોલીસવાડા કડી ખાતે દોડી આવ્યા હતા. પોલીસવડાએ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શારદા મંદિર પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. શાળામાં આવેલ માધ્યમ ભોજનનું તાળું તોડી તસ્કરો એચ.પી કંપનીના બે ગેસના બાટલા તેમજ બે ટેબલેટની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા

પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી
કડી તાલુકાના ઈન્દ્રાડ ગામે આવેલી શારદા મંદિર પ્રાથમિક શાળાના ચોકીદાર દશરથ ઠાકોરે શાળાની માધ્યમ ભોજનના મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. તેણે તાત્કાલિક શાળાના આચાર્ય શિલ્પાબેનને ફોન પર જાણ કરી હતી. જ્યારે શિલ્પાબેને આવીને જોયું અને તપાસ કરતાં બે ગેસના બાટલાની ચોરી તેમજ બે ટેબલેટની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ તાત્કાલિક કડી તાલુકાના નંદાસણ પોલીસ ખાતે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...