ટ્રાફિક સમસ્યા દૂર થશે:કડી હાઈવે ચાર રસ્તાથી થોળ અંડરબ્રિજ સુધીનો રોડ રૂ.2.50 કરોડના ખર્ચે 4 મીટર પહોળો કરાશે

કડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી નગરજનોને નવા વર્ષની ભેટ, હાઈવે પરની ટ્રાફિક સમસ્યા દૂર થશે
  • ​​​​​​​બંને સાઈડ ફૂટપાથ કાપી 14 મીટરના રોડને પહોળો કરી 18 મીટર કરાશે

કડી શહેરના નાગરિકોને નવા વર્ષે હાઈવેથી થોળ રોડ પર થતા ટ્રાફિકથી મુક્તિ મળશે. રૂ.2.50 કરોડની ગ્રાન્ટમાંથી હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ અંડરબ્રિજ સુધી રોડની બાજુમાં બનાવેલી ફૂટપાથ કાપી બંને બાજુ દોઢથી બે મીટર રોડ પહોળો કરાશે. પાલિકાની આ દરખાસ્તને આર એન્ડ બી વિભાગે મંજૂરી આપતાં નવા વર્ષના આરંભે કામ શરૂ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું. હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ પર નંદાસણ અને છત્રાલ રોડ તરફના વાહનોના ભારે ધસારાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે.

પોલીસ અને પ્રશાસન માટે કાલાં કપાસની સિઝન તેમજ તહેવારોમાં ટ્રાફિક નિયમન કરવું મુશ્કેલ બની જાય છે. અવાર- નવાર ટ્રાફિકજામના કારણે શહેરીજનો અને વાહનચાલકોના ઇંધણ ખર્ચ અને સમયનો વ્યય થાય છે. વેપારીઓ અને રાહદારીઓ પણ પરેશાન બની જાય છે. પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, ચેરમેન જગદીશભાઈ પટેલ અને ચીફ ઓફિસર નરેશ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ નાયબ કાર્યપાલક ઈજનેર જીગ્નેશ પટેલે બીડું ઝડપ્યું હતું. તાજેતરમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા હાઈવે ચાર રસ્તાથી થોળ રોડ પર ફુટપાથ પરનાં બ્લોક ખોલી નાખી તેનું સમારકામ હાથ ધરાયું હતું.

14 મીટરને 4 મીટર પહોળો કરી 18 મીટરનો રોડ વચ્ચે 01 મીટરનું ડિવાઈડર બનશે
કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ અને ચેરમેન જગદીશભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં થોળ રોડ 14 મીટરનો છે. શહેરનો મુખ્ય પ્રવેશ સાંકડો હોવાથી અવાર નવાર ટ્રાફિક થતો હોઇ રોડની બંને બાજુ આવેલી ફૂટપાથ દોઢથી બે મીટર કાપી રોડ 9-9 મીટરનો કરાતાં રોડની લંબાઇ 4 મીટર વધીને 18 મીટર થશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા મહંદ અંશે હળવી થશે. રોડ વચ્ચે 1 મીટરનું ડિવાઈડર પણ બનશે. તેમજ અંડરબ્રિજમાં આરસીસી રોડનું નવિનીકરણ સહિતના કામ માટે રાજ્ય સરકારે રૂ.2.50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

અન્ય સમાચારો પણ છે...