• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • 'The Cow That Ran In The Rally Fell Down While Straying, But The Flag Did Not Fall All The Way...', The Doctor Said, Will Have To Rest Completely For A Month'.

શું થયું એ 10 મિનિટમાં?:'ગાયની ઠોકરથી સાહેબ નીચે પડી ગયા, પણ રાષ્ટ્રધ્વજ છેક સુધી પડવા ન દીધો...',ડોક્ટરે કહ્યું, 'એક મહિના સુધી સંપૂર્ણ આરામ કરવો પડશે'

કડી2 મહિનો પહેલા

'અમે લોકો આજે તિરંગા રેલીમાં ગયા હતા...અચાનક એક ગાય આવી ને સાહેબ નીચે પડી ગયા.....' કડીમાં આજે તિરંગા રેલી દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ગાયે અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ ઘટનાના સમયે સ્થળ પર ઉપસ્થિત એક કાર્યકર નિતેશ ભોજકએ સમગ્ર ઘટનાની માહિતી દિવ્ય ભાસ્કરને જણાવી હતી. બીજીતરફ નિતિન પટેલની સારવાર કરનાર ડોક્ટર સાથે પણ ભાસ્કરે વાતચીત કરી હતી. જેમા તેઓએ જણાવ્યું કે, 'સાહેબને એક મહિના સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી છે'

હોસ્પિટલની અંદર-બહાર લોકોની ભીડ ઉમટી હતી
હોસ્પિટલની અંદર-બહાર લોકોની ભીડ ઉમટી હતી

'સાહેબ પડ્યા, પણ તેમના હાથમાં રહેલો ધ્વજ ના પડ્યો'
આજે સવારે 10:30 વાગે કડીના કમળ સર્કલ પાસેથી હર ઘર તિરંગા યાત્રા નીકળી હતી. જેમા સાધુ-સંતો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાહેબના હાસ્તે રેલીનું પ્રસ્થાન થયું હતું. સાહેબની આગેવાનીમાં જ રેલી નીકળી હતી. કમળ સર્કલ, ગણેશ ચોક, વિજય ચોક, ગાંધી ચોક અને ટાવરથી અંદર થઈને શાકમાર્કેટ તરફ પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. તે જ સમયે રસ્તામાંથી અચાનક એક ગાય દોડી આવી હતી. ત્યારે હું અને મારા મિત્ર જતીનભાઈ આગળ ઉભા હતા ત્યારે અમારા વચ્ચેથી જ ગાય પસાર થઈ હતી. ગાયે અમને ભેટુ મારતા અમે પડી ગયા હતા. અમને ભટકાઈને ગાય સીધી સાહેબની સામે ગઈ અને સાહેબ પડી ગયા. પરંતુ તેમના હાથમાં રહેલો ધ્વજ છેક સુધી પડ્યો નહીં.

નીતિન પટેલના જમણા પગના ઢીચણમાં માઇનોર ક્રેક થયેલ છે
નીતિન પટેલના જમણા પગના ઢીચણમાં માઇનોર ક્રેક થયેલ છે

'નિતિનભાઈ સાહેબને થોડું વધારે વાગ્યું હતું'
આ ઘટનામાં અમને બધાને થોડી-થોડી ઈજાઓ પહોંચી હતી. સાથે રેલીમાં જોડાયેલા બાળકોને પણ ઈજાઓ પહોંચી હતી. જેથી અમે કાર્યકર્તાઓએ ભેગા મળીને તમામને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલ ખસેડ્યા હતા. કોઈને વધારે ઈજાઓ પહોંચી ન હતી પરંતુ નિતિનભાઈ સાહેબને થોડું વધારે વાગ્યું હતું. ત્યારબાદ રેલી ફરીથી મુખ્ય માર્ગ પર થઈને ડાઉન હોલ પર પૂર્ણ થઈ હતી.

કાર્યકર્તાઓ તાત્કાલિક નિતિન પટેલને હોસ્પિટલ લઈ ગયા
કાર્યકર્તાઓ તાત્કાલિક નિતિન પટેલને હોસ્પિટલ લઈ ગયા

'સાહેબના જમણા પગના ઢીચણમાં માઇનોર ક્રેક છે'
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની સારવાર કરનાર ડોક્ટર, શશીવદન વાઘેલા સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરતા તેઓ જણાવ્યું કે, આજે સાહેબને ગાયે અડફેટે લેતા તેઓના જમણા પગના ઢીચણમાં દુખાવો થતા તેઓને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં લવાયા હતા. જ્યા અમે એક્સ-રે અને સિટીસ્કેન કરાવ્યું હતું. જેમા ખબર પડી કે, સાહેબના ડાબા પગના ઢીચણમાં માઇનોર ક્રેક થયેલ છે, જેના માટે અમે પ્રાયમરી બ્રેસ અને બીજી અન્ય દવાઓ આપેલ છે અને સાહેબને ઓછામાં ઓછા 4 વિક આરામ કરવાની સલાહ પણ આપી છે.

રેલી અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે જતા નિતિન પટેલ
રેલી અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે જતા નિતિન પટેલ
અન્ય સમાચારો પણ છે...