તંત્ર ઘોર નિંદ્રામાં:કડીના મોયણમાં કચ્છ કેનાલ નજીક વૃક્ષોનું નિકંદન થતું હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

કડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરથી આવેલ પર્યાવરણ પ્રેમી વનવિભાગના અધિકારીએ ખીજડાનુ લાકડું ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું

કડી થી દેત્રોજના કટોસણ રોડ તરફ જતા જોટાણાના મોયણની સીમમાં કચ્છ તરફની મુખ્ય નહેરની આસપાસ અસંખ્ય વૃક્ષોનુ ગેરકાયદે નિકંદન કાઢી રક્ષિત ખીજડાનું લાકડુ ટ્રેક્ટરમાં ભરીને પસાર થતા કઠીયારાઓને રંગેહાથ તપાસમાં આવેલ ગાંધીનગર વનવિભાગ SSR માં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ ઝડપી લઈ ખેડૂતોને અને પર્યાવરણ પ્રેમીઓ મારફતે કડી,દેત્રોજ અને જોટાણા મામલતદારને રજૂઆત કરી ગેરકાયદે વૃક્ષોનું નિકંદન કાઢનાર સામે કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

છેલ્લા ઘણા સમયથી નર્મદા અને વન વિભાગના અધિકારીઓના ઓથા હેઠળ ગેરકાયદેસર વૃક્ષોનું ખુલ્લેઆમ છેદન થઈ રહ્યુ છે.ચુંવાળ ડાંગરવા,બામરોલી,ધાંધલપુર ગામના સરપંચ સહિત પર્યાવરણ પ્રેમી મિનેશ પટેલે ગેરકાયદે વૃક્ષ છેદન મામલે ગત જુલાઈમાં મુખ્યમંત્રી,કલેક્ટર, પ્રાંત અધિકારી, દેત્રોજ,કડી,જોટાણા મામલતદાર સહિતને લેખીત રજુઆત કરી હોવા છતા સ્થાનિક નર્મદા અને વન વિભાગના અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા છે.ગત જુલાઈમાં અસંખ્ય વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરનાર નંદાસણના શખ્સોને રંગેહાથ ઝડપી લઈ તંત્રને સોંપ્યા હતા. તેમ છતાં વૃક્ષ છેદનની પ્રવૃતિ હાલમા ચાલુ રહેતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

શનિવારે ગાંધીનગર વનવિભાગના SSR માં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ ચાવડા અન્ય તપાસ અર્થે સવારે જોટાણાના મોયણ નજીક કચ્છ તરફની મુખ્ય કેનાલ પરના એપ્રોચ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન વન વિભાગે રક્ષિત જાહેર કરેલ ખીજડાના ઝાડને કાપીને તેનુ લાકડુ ટ્રેક્ટરમા ભરીને કઠીયારાઓને રંગેહાથ ઝડપી લેતા વૃક્ષ છેદનની ગેરકાયદે પ્રવૃતિ કરનારમા ફફડાટ પ્રસરી ગયો હતો.વનવિભાગના અધિકારીએ સ્થાનીક ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી કડી,દેત્રોજ તથા જોટાણા મામલતદારને આ અંગે રજુઆત કરી કઠીયારાઓ સામે સખ્ત કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...