પુસ્તક વિમોચન:સ્વ. ડૉ. રામ પટેલના પુસ્તકનું નીતિન પટેલના હસ્તે વિમોચન કરાયું, ભક્તિપ્રિયદાસજી સ્વામીએ જૂના સ્મરણો વાગોળ્યા

કડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી સર્વ વિધાલય કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અને ખ્યાતનામ ડૉક્ટર રામ પટેલના સન્માનમાં ગ્રંથ લોકાર્પણનો કાર્યક્રમ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય સાથે થઈ હતી. કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડીના પ્રમુખ મનુ પટેલ દ્વારા બંને ગ્રંથોનો વિગતે સુંદર પરિચય આપવામાં આવ્યો હતો. મોહન પટેલ અને મણિ પ્રજાપતિ દ્વારા સંપાદિત સ્મૃતિગ્રંથ “વૈષ્ણવજન ડૉ. રામભાઈ પટેલ” અને તેમના જીવનચરિત્ર “માનવહિતૈષી રામભાઈ” નામના બે સ્મૃતિગ્રંથોનું લોકાર્પણ સંસ્થાના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. પુસ્તકોનું વિમોચન પૂજ્ય ભક્તિપ્રિયદાસજી સ્વામી અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું હતું.

'હું અને રામભાઈ અભ્યાસકાળ વખતે સત્સંગની વાતો કરતા'
પૂજ્ય ભક્તિપ્રિયદાસજી સ્વામીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સત્સંગ થકી પોતાના અંતરમાં શાંતિ અનુભવે છે. જીવનમાં સદગુણોના સર્જન થકી દુષણો દૂર થાય છે. સત્સંગ થકી ડૉ. રામભાઈ અને તેમના પરિવારમાં સત્સંગ યોગ થયો. હું અને રામભાઈ અભ્યાસકાળ દરમિયાન મેદાનમાં બેસી સત્સંગની વાતો કરતા. સત્સંગ થકી જીવનનું ઘડતર થાય છે. શાહીબાગ યુવક મંડળની સભામાં હું અને ડૉ. રામભાઈ ચાલતા જતા હતા. ભગવાનના અખંડ સાધક હતા. 1985માં વિદેશ ગમન બાદ ભારત આવેલ યોગીજી મહારાજના દર્શને ગયા હતા અને તેમણે પરીક્ષામાં પાસ થવાના આશીર્વાદ આપ્યા હતા અને અમે સારા માર્કસ સાથે પાસ થયા.

જીવન સર્વ વિદ્યાલયની સેવામાં આપ્યું
ડૉ. રામભાઈની સાધારણ પરિસ્થિતિ હતી. તેમના માતાના સારા સંસ્કાર થકી વિશેષ અભ્યાસ કરી સમાજસેવા કરી. સદવિદ્યાનું પ્રવર્તન કરવું એ સ્વામીનારાયણ ભગવાનના આદેશ છે. તે મુજબ રામભાઈએ પણ પોતાના જીવનનો ઘણો ભાગ સર્વ વિદ્યાલયની સેવામાં આપ્યો. ડોક્ટર તરીકે પણ પરોપકારની વૃત્તિ ધરાવતા ભક્તરાજ હતા. સંતાનોમાં સેવાનો ભાવ, સત્સંગ અને સંસ્કારો આપીને જીવનને ઉત્તમ અને ધન્ય બનાવો તેમ સ્વામીજીએ જણાવ્યું હતું.

ડૉ. રામ પટેલ માનવતાના પુજારી હતા
પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલે જણાવ્યું હતું કે, કડી એટલે સોનાની દડી. કર ભલા હોગા ભલાનાં ઉદ્દેશ સાથે રૂઢીચુસ્ત સમાજ સામે એક ક્રાંતિવીર તરીકે છગનભા એક લડાઈ લડતા હતા. છગનભાનાં આ પટાંગણમાં એક વિરાટ વ્યક્તિત્વ, તબીબ વિભૂતિ, વિદ્યા વાચસ્પતિ, એક સર્વોદયનો પ્રહરી, ગરીબોનો બેલી, માનવતાનો પુજારી, સંત, મૃદુભાષી અને નિડર શબ્દનું સ્વરૂપ આપ્યું. તેમજ તેઓ સાથે સંપર્કમાં આવેલા તમામે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે બે પુસ્તકોના વિમોચન પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આનંદની લાગણી સાથે તેમણે ડૉ. રામ પટેલને ઉપરોક્ત ઉપનામોથી નવાજ્યા હતા.

“મારૂ જીવન એ જ મારો સંદેશ” પંક્તિ રામ કાકાને લાગુ પડે
સર્વ વિધાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ પટેલે જણાવ્યું કે, સાહેબનાં સ્વર્ગવાસ પછી સામાજિક, આર્થિક અને કેમ્પસમાં તમામ બાબતોનું સતત ધ્યાન રાખેલું હતું. સાચા અર્થમાં પુસ્તકની એક એક લીટી રામ કાકાએ ગુજારેલું જીવન એક દીવો પ્રગટી જાય અને લોકોના હૃદયમાં સ્થાન ગ્રહણ કરી જાય એવું હતું. મહાત્મા ગાંધીની “મારૂ જીવન એ જ મારો સંદેશ” પંક્તિ રામ કાકાને ખૂબ લાગુ પડે છે. તબીબ તરીકે ઓછી ફીમાં સેવાકાર્ય કરતા. જીવનમાં કોઈના માટે ખરાબ દ્રષ્ટિ રાખી નથી, જાતિ અને જ્ઞાતિના ભેદભાવ વગર હાજર રહ્યા હતા. રામ કાકા સતત સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ તરીકે અને તેના પહેલાની તમામ સેવાની સર્વ વિદ્યાલય પરિવાર હંમેશા ઋણી રહેશે. લોકાર્પણ થયેલા બંને પુસ્તકોમાં પ્રેરણા મળશે કે તેમના જીવનમાં મૂકસેવક તરીકે કાર્ય કરી સમાજસેવા અને સંસ્થામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.

બંને મિત્રોએ પોતાના ક્ષેત્રોમાં સમાજસેવાનું કામ કર્યું- નીતિન પટેલ
સમારંભનાં અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સ્વામીજી સંત બન્યા પહેલા સર્વ વિદ્યાલયના વિદ્યાર્થી હતા. સંત કે સાધુ થાય ત્યારે કુટુંબ, ગામ, સમાજ, જાતી,જ્ઞાતિનાં બંધનોથી મુક્ત થતા હોય છે. પણ આપણો સારો શબ્દ પૂર્વાશ્રમની વાત કરી શકીએ જેમાં ડૉ. રામભાઈ અને સ્વામીજીએ સાથે અભ્યાસ કરેલો. આ મિત્રતા આગળ વધતા બંને મિત્રોએ પોત પોતાના ક્ષેત્રોમાં સમાજસેવાનું કામ કર્યું. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર બે પ્રિય શિષ્પો એક સાધુ ભક્તિપ્રિય સ્વામી અને બીજા સમાજસેવક ડૉ.રામભાઈ. સેવક મિત્રના સ્મૃતિગ્રંથોનું લોકાર્પણ સાધુ મિત્ર કરે એવા સંજોગો ભાગ્યે જ જોવા મળતાં હોય છે. સેવાકીય વ્યક્તિઓનાં કાર્યો પુસ્તકોમાં કંડારાયા હશે તો આવનાર પેઢીને નવી દિશા મળશે.

ડૉ.રામના પુત્ર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
સંસ્થાના મંત્રી અને ડૉ.રામ પટેલનાં સુપુત્ર કિરીટ પટેલે ઋણસ્વીકાર દ્વારા આમંત્રિતો, પુસ્તકોના લેખકોનો આભાર પ્રગટ કર્યો હતો. કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ મનુ પટેલ, યુ.એસ.એ.ની હમ્બોલ્ટ સ્ટેટ યુનિ.ના પ્રો. ડૉ. વિઠ્ઠલ પટેલ, પ્રદીપ પટેલ, સંસ્થાના મંત્રીઓ ડૉ.મણિભાઈ, ડૉ. રમણભાઈ, ડૉ. જયંતિભાઈ, મહેશભાઈ, બિપીનભાઈ, પ્રતિષ્ઠિત સંસ્થાના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠી, યુનિવર્સિટીનાં અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ શૈલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...