બળદેવજી ઠાકોરે BJPને આડે હાથ લીધી:કહ્યું- 'કડીમાં કોંગ્રેસના ઉમેદવાર 8 હજાર મતે ના જીતે તો, રાજકારણ છોડી દેવાની મારી તૈયારી'

કડી24 દિવસ પહેલા

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે આજે કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં કડીના તીનબત્તી જૂની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ વિવિધ કાર્યકર્તાઓ આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી.

કડીમાં યોજાઈ કોંગ્રેસની જાહેરસભા
કડીમાં યોજાઈ કોંગ્રેસની જાહેરસભા

બળદેવજી ઠાકોરે આગવી છટામાં જાહેરસભાને સંબોધી
કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં આજે કડીના જૂની મામલતદાર કચેરી ખાતે જાહેરસભા યોજાઈ હતી. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યા હતા અને પોતાની આગવી છટામાં જાહેરસભાને સંબોધી હતી. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, 'કડીમાં કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ પ્રવીણ પરમાર 8 હજાર મતે ના જીતે, તો રાજકારણ છોડી દેવાની તૈયારી મારી'.

બળદેવજી ઠાકોરનું જાહેરસભામાં રૌદ્ર સ્વરૂપ
બળદેવજી ઠાકોરનું જાહેરસભામાં રૌદ્ર સ્વરૂપ

મને ચિંતા તો આપણાવાળાની હોય છેઃ બળદેવજી ઠાકોર
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઘરડો માણસ થાય એટલે તેને પાંજરાપોળે મૂકી આવવાની કામગીરી કરવાનું કાર્ય ભાજપે કર્યું છે જ્યારે કોંગ્રેસવાળા આવું કરતા નથી. મને આજે સવારે એક ભાઈએ ફોન કર્યો હતો કે, અહીં ના આવતા અહીં પથ્થરમારો થવાનો છે. એટલા માટે જ હું અહીં આવ્યો છું. મને ચિંતા તો આપણાવાળાની હોય છે. આપણા જ આપણી સામે આવે ત્યારે લડવાની મજા નથી આવતી, પરંતુ કોઈ બીજો આપણી સામે લડવા માટે આવે તો ભુક્કા બોલાવી દઈએ.

જીઆઈડીસીમાં કારખાનાં બંધ કરવાનું કામ ભાજપના શાસનમાં થયું છે
જીઆઈડીસીમાં કારખાનાં બંધ કરવાનું કામ ભાજપના શાસનમાં થયું છે

બળદેવજી ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા
બળદેવજી ઠાકોરે પોતાની આગવી છટામાં ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે, કડી અને છત્રાલ જીઆઈડીસી ભાજપ દ્વારા ઊભી કરવામાં આવી નથી. તે જીઆઇડીસી કોંગ્રેસના શાસનમાં થઈ છે, પરંતુ તે જીઆઈડીસીમાં કારખાનાં બંધ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. કોંગ્રેસની આ જાહેરસભામાં ઉમેદવાર પ્રવીણ પરમાર તેમજ વિવિધ હોદ્દેદારો અને કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણીએ
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણીએ
અન્ય સમાચારો પણ છે...