ક્રાઇમ:રાજસ્થાનની મહિલાને કડીના ગેસ્ટહાઉસમાં ગોંધી ત્રણ નરાધમોએ દોઢ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગેસ્ટહાઉસમાં રસોઇના કામે લઇ જઇ દારૂ સાથે કેફી દ્રવ્ય પીવડાવી ગેંગરેપ
  • સારવારના​​​​​​​ બહાને રાજસ્થાન ભાગી ગઇ, 3 નરાધમો સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

રાજસ્થાનના કોટાથી માતા-પિતા સાથે મજૂરીકામે આવેલી મહિલાને અન્ય કામે લઈ જવાના બહાને કડીના ગેસ્ટ હાઉસમાં ગોંધી રાખી કેફી દ્રવ્ય પીવડાવી દોઢ માસ સુધી ત્રણ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ રાજસ્થાનના કોટા પોલીસ મથકે નોંધાવી હતી. ઘટના કડીની હોઇ રાજસ્થાન પોલીસે કડી મોકલી આપતાં પોલીસે ગુનો નોંધી નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતી મહિલાને બે માસ અગાઉ રામ યાદવ નામનો શખ્સ તેના માતા-પિતા સાથે મજૂરીકામ અર્થે કલોલના પલિયડ સ્થિત સફારી ગોલ્ડ ટાઈલ્સ કંપનીમાં લાવ્યો હતો.

એક માસ આ કંપનીમાં કામ કર્યા બાદ રામ યાદવે મહિલાને અન્ય કંપનીમાં રસોઈકામ અર્થે લઈ જવાનું કહી સાથે લઈ ગયો હતો. રામ યાદવ મહિલાને કડીના ગેસ્ટ હાઉસમાં લઈ જઇ તેની પાસે બે-ત્રણ દિવસ રસોઈ બનાવડાવી. એક દિવસ સાંજે ઠંડા પીણાંની સાથે કેફી દ્રવ્ય પીવડાવી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં રૂમમાં પૂરીને જતો રહ્યો હતો. સાંજે રામ યાદવ તેના અન્ય મિત્રો વિજયભાન સિંહ તથા બાબુએ ઠંડાપીણાંમાં કેફી દ્રવ્ય અને શરાબ પીવડાવી ત્રણેય જણાએ બળાત્કાર કર્યો હતો.

આ ત્રણેય નરાધમો એક માસ સુધી તેણીને ગેસ્ટ હાઉસમાં ગોંધી રાખી બળાત્કાર કરતા રહ્યા હતા. એક દિવસ મહિલાની તબિયત લથડી અને ગુપ્તભાગે લોહી આવતું હોઇ 27 જૂને કડીના ગાંધીચોક સ્થિત પુજા મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર માટે મહિલાના ખાતામાંથી નરાધમોએ આઠ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. તે પછી સતત 15 દિવસ સુધી ત્રણેય નરાધમો બળાત્કાર કરતા રહ્યા. ફરીથી તબિયત લથડતાં ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે એટલે રાજસ્થાનમાં સારવાર કરાવી પાછી આવીશ તેમ કહી મહિલા રાજસ્થાન પહોંચી ગઈ હતી.

થોડા દિવસ પછી ત્રણે નરાધમોએ મહિલાને ફોન કરી ગુજરાત આવી જવા કહ્યું, પરંતુ તેણીએ હજુ સારવાર ચાલુ હોવાનું જણાવી એક માસનો પગાર ખાતામાં નાખવા વિનંતી કરતાં તું ગુજરાત આવીશ ત્યારે આપીશું તેમ જણાવ્યું હતું. આથી મહિલાએ જવાહરનગર કોટા રાજસ્થાનમાં રામ યાદવ, વિજયભાન સિંહ અને બાબુ નામના શખ્સ વિરુદ્ધ ગત 4 ઓગસ્ટે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે રાજસ્થાન પોલીસે ઝીરો નંબરથી કડી પોલીસ મથકે મોકલી આપતાં પોલીસે ગુનો નોંધી ત્રણેય ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...