કડી શહેરમાં જાહેર માર્ગો પરનાં દબાણ હટાવ ઝુંબેશના બીજા દિવસે મંગળવારે સવારથી જ નગરપાલિકાની બે ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે ચાર રસ્તા નંદાસણ રોડ પરના વેપારીઓના વિરોધ વચ્ચે દુકાનો આગળનાં ઓટલા, શેડ, જાળી, આડશો સહિતનાં કાચાં અને પાકાં દબાણો દૂર કરતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પ્રથમ દિવસે 116 દબાણ હટાવ્યા બાદ બીજા દિવસે મોટા તળાવ વિસ્તાર આસપાસ જાહેર માર્ગો પરનાં કાચાં અને પાકા 95 જેટલાં દબાણો દૂર કર્યાં હતાં.
આમ, બે દિવસમાં પાલિકાએ 211 જેટલાં દબાણોનો સફાયો બોલાવ્યો હતો. બુધવારે પણ બાકીના વિસ્તારોમાં દબાણ દૂર કરાશે. ત્રણ દિવસની દબાણ હટાવ ઝુંબેશના બે દિવસ કસ્બા વિસ્તારના જ દબાણો હટાવવામાં ગયા હતા.
શહેરના માર્કેટયાર્ડ રોડ પરના શ્રીરામ શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ ફટકારવા છતાં હજુ સુધી સ્વૈચ્છિક દબાણો દૂર કરાયાં નથી. કેટલાક વેપારીઓએ જાતે શેડ, ઓટલા સહિતના દબાણો ખુલ્લા કરી દીધા છે. દબાણ ખુલ્લા ન કરનાર અન્ય વેપારીઓ દબાણ બંધ રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જોકે, ગાંધીચોક, સ્ટેશન રોડ અને દેત્રોજ રોડ પરના વેપારીઓએ જાતે દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યાને હળવી કરવાની સરહાનીય કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.