કોટન સિટી તરીકે જાણીતા કડીને જોડતી કલોલથી રણુંજ સુધી રેલવે લાઈન પર દોડતી મીટર ગેજ ટ્રેન બંધ થયાને પાંચ વર્ષ જેટલો સમયગાળો વિત્યો હોવા છતાં ગેજ પરિવર્તનની કામગીરી હજુ સુધી શરૂ ન થતાં પંથકના લોકોમાં નારાજગી છે. કડી, શક્તિપીઠ બહુચરાજી, જૈન તીર્થધામ ભોંયણી અને રણુંજને જોડતી આ રેલવેલાઈન બ્રોડગેજમા રૂપાંતરીત કરી જલ્દીથી ટ્રેનો શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે. અમદાવાદ, કલોલ, કડી, રણુંજ જતી મીટર ગેજ રેલવે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની હોવાથી છેલ્લી ટ્રેન 14 સપ્ટેમ્બર 2017ના રોજ દોડી હતી.
એક બાજુ બ્રોડગેજ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી નથી. અને તેની જગ્યાએ મીટર ગેજ ચાલતી ટ્રેનો બંધ કરી દેવામા આવતા અંતરિયાળ ગામોના નાગરિકો માટે મીટરગેજ ટ્રેનની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે. એક સમયે 19 ટ્રેનોના ધમધમાટથી કડી રેલવેલાઈન ધમધમતી હતી જે અત્યારે છેલ્લાં પાંચ વર્ષથી એક પણ ટ્રેન ન આવતાં રેલવે સ્ટેશન સુમસામ ભાસી રહ્યી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી કડી રેલવે લાઈનને બ્રોડગેજમાં ઝડપથી રૂપાંતરિત કરવામાં આવે તો કડી પંથક સહિતના નગરજનોના વેપાર, ઉધોગોને ટ્રાન્સપોટેશનમા ઘણા બધા ફાયદાઓ થાય તેમ છે.
સાથે કડીથી બહુચરાજી અને રણુંજ જતા રસ્તામા યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી અને જૈન તીર્થધામ ભોંયણી જતા આવતા શ્રધ્ધાળુઓ, યાત્રિકોને પણ રેલવે લાઈનનો ફાયદો મળી રહે. આ રેલ્વે લાઈન ચાર સાંસદોના મત વિસ્તાર જોડતી છે.
કડીથી રણુંજ સુધી જતી રેલવે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરની કામગીરી ઝડપી શરૂ કરી ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી યાત્રાધામના યાત્રાળુઓ સહિત કડીની સેવાભાવી સંસ્થાઓ વીએચપી, લાયન્સ ક્લબ તથા કડી વેપારી એસોસિએશનના કાર્યકરોએ બુધવારે કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC)ના ડાયરેક્ટર વલ્લભભાઈ પટેલની સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે મુલાકાત દરમિયાન લેખીત રજુઆત કરી કડી ફરી ટ્રેનોથી ધમધમતુ થાય તેવી માંગ કરી હતી.
કલોલ, કડી, કટોસણ, બહુચરાજી-ચાણસ્મા પ્રોજેક્ટ યોજનામાં ઇન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશને વર્ષ 2017/18ના બજેટમાં 763 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું હતુ. જેથી રેલવે વિભાગે તારીખ 15 સપ્ટેમ્બર 2017ના રોજ આ રૂટ પરની 100 વર્ષ પહેલાથી ગાયકવાડ સરકાર વખત ચાલતી ટ્રેનો બંધ કરી હતી. હાલમા માત્ર કટોસણ - બેચરાજી - રણુંજનું કામ ચાલે છે. પરંતુ કલોલ-કડી-કટોસણ રેલ્વે લાઇનનું કામ હજુ શરૂ થયું નથી.હાલના બજેટમાં કુલ 10 પ્રોજેક્ટ પૈકી માત્ર 4 જ પ્રોજેક્ટને આવરી લેવામાં આવ્યા છે.
બજેટ વર્ષ 2022 થી 2023 માં આ 6 પ્રોજેક્ટનું કામ મોકૂફ રાખવામાં આવ્યું છે અથવા રદ કરવામાં આવ્યું છે. તેવી માહિતી વહેપારીઓને મળતાં આ રેલવે લાઈન ફરીથી શરૂ થાય તેવા પ્રયત્નો વેપારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું કડીના અગ્રણી વેપારીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.