હરાજી:કડી કોટનયાર્ડમાં કપાસની હરાજીના પ્રથમ દિવસે એક મણના 1611 સુધીના ભાવ પડ્યા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુહૂર્તમાં 1000 મણ કપાસની આવક થઈ, પોષણક્ષમ ભાવથી ખેડૂતોમાં આનંદ

કડી સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડમાં સોમવારે કપાસની હરાજીનું શુભમુહૂર્ત કરાયું હતું. હરાજીના પ્રથમ દિવસે જ કપાસના મણ દીઠ રૂ.1611 ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. એક હજાર મણ કપાસની આવક થઈ હતી. એશિયામાં કોટનસિટી તરીકે ખ્યાતનામ કડીમાં કાલા કપાસની સિઝન શરૂ થઇ છે. નવરાત્રીમાં શરૂ થતી કપાસની આવકને લઈ દશેરાએ મોટા ભાગની જિનિંગ અને ઓઈલ મિલ ઈન્ડસ્ટ્રીઝ ધમધમે છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત લોકલ સેન્ટરો પરથી શરૂઆતમાં 50 ગાડી કપાસથી લઈ ફૂલસિઝન દરમિયાન રોજ 700 થી 800 ગાડી કપાસની આવક થાય છે.

કપાસની સિઝનમાં કડી કોટન માર્કેટયાર્ડમાં નવરાત્રી બાદ કપાસની હરાજી દર વર્ષે શરૂ કરાય છે. કોટનયાર્ડમાં સોમવારે કપાસની હરાજીનું મુહૂર્ત એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ જી. પટેલ, ડિરેક્ટર ભરત બી. પટેલ, હિમાંશુ ખમાર, ઈન્ચાર્જ સેક્રેટરી કમલેશ ત્રિવેદી સહિત સ્થાનિક જીનર્સો, કાલાં કપાસના દલાલોની ઉપસ્થિતિમાં કરાયું હતું.

હરાજીમાં કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, બહુચરાજી, પાટણ સહિત વિસ્તારના ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. પ્રથમ દિવસે હરાજીમાં આવેલા માલનો મણ દીઠ રૂ.1400થી લઈ સારા માલના રૂ.1611 સુધીના ઐતિહાસિક ઉંચા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...