કડી શહેર પાણીમાં ગરકાવ:સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરોમાં પાણી ઘૂસતા લોકો હાલાકીમાં મુકાયા

કડી5 દિવસ પહેલા
  • "અમારી કોઈક તો વેદના સાંભળો": સ્થાનિકો

કડીમાં વહેલી સવારેથી જ વાદળ છાયું વાતાવરણને લઈને ભારે વરસાદની લોકો રાહ જોઈને બેસી રહ્યા હતા. ત્યારે સવારે મેધરાજાની એન્ટ્રીથી વરસાદ ખાબકતા કડીમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. કરણનગર રોડ વિસ્તાર વિકાસમાં આગળ વધી રહ્યું છે. કરણનગર રોડ વિસ્તારમાં લોકોએ મોટા મોટા બંગલા રહેવા માટે બનાવી દીધા પરંતુ તેઓને નગરપાલિકા તરફથી મળવી જોઇએ તેવી સુવિધાઓ વર્ષો વીતી ગયા હોવા છતાં પ્રાપ્ત થઈ નથી. નગરપાલિકાની ઘંટીમાં અહીંની પ્રજા પીસાઈ રહી હોવાની ફરિયાદો સાંભળવા મળી છે.

સામાન્ય વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસ્યા
કડી પંથકમાં ગુરૂવારે દોઢ કલાકમાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો હતો. જ્યારે કડી શહેરની અંદર સામાન્ય વરસાદ પડવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં કડી કરણનગર રોડ ઉપર આવેલ જય ગુરુદેવ સોસાયટી સહિત કેટલીક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં અને જય ગુરુદેવ સોસાયટીમાં તો ઘરની અંદર પાણી ઘૂસવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

કરણનગર રોડ ઉપરની સોસાયટીઓમાં પાણી ઘુસ્યા
સ્થાનિક લોકોએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે છેલ્લાં 12 વર્ષથી અમારી સોસાયટીઓમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અમારા ઘરની અંદર પાણી ઘુસી જાય છે. તેથી અમારા ઘરની અંદર રહેલ ખાવા-પીવાની સહિતની વસ્તુઓનું ભારે નુકશાન થાય છે. દર વર્ષે આ પાણી ભરાવાથી અમે હેરાન પરેશાન થઈ જઈએ છીએ અને અમે નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરી હોવા છતાં આ પાણી ભરાવાનો ઉકેલ તંત્ર દ્વારા કરવામાં આવતો નથી. પાણી ભરાવા હોવા છતાં તંત્ર કે સત્તાધિશો હજુ અમારી મદદે આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...