ગેરકાયદેસર ફેક્ટરી પર પોલીસની તવાઈ:કડીના ડાંગરવા ઘુમાસણ રોડ ઉપર એગ્રીકલ્ચર યુરિયામાંથી ટેકનિકલ યુરિયા બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી LCBએ ઝડપી પાડી

કડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ડાંગરવા ઘુમાસન રોડ ઉપર ખેડૂતોના વપરાશ વાળું નીમ કોટેડ યુરિયામાં સોડિયમ સાઇનાઇડ સહિતના રસાયણ મિક્ષ કરી ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા બનાવવાની ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હોવાની ખાનગી બાતમીને આધારે એલસીબીની ટીમે સ્થાનિક નંદાસણ પોલીસને ઊંઘતી રાખી રેડ કરી ચાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. હજુ મુખ્ય આરોપી ફરાર હોવાથી નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદેસર કંપનીને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને સબસિડી યુક્ત યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહિ હોવાની બૂમરાણ ઉઠવા પામી હતી. વેપારીઓ ખેડૂતોને આપવાનો જથ્થો કાળાબજારમાં ઊંચા ભાવે વેચી મારતા હોવાની ફરીયાદ પણ ઉઠવા પામી હતી. યુરિયાનું કાળાબજાર કરતા લોકો ફેકટરીઓમાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા આપી મોટો નફો રળી રહ્યા છે. કડીના રાજપુર, ઘૂમાસન અને નંદાસણ સહિતની ફેકટરીઓમાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયાનો મોટો જથ્થો રોજ ઠલવાતો હોવા છતાં કૃષિ વિભાગ અને સ્થાનિક પોલીસ અજાણ હોવાનો દેખાવ કરી તેમને છાવરી રહી છે. ત્યારે મહેસાણા એલસીબીએ ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ગેરકાયદેસર કંપનીને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે
મહેસાણા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેમને ખાનગી રાહે મળેલી માહિતીને આધારે રેડ કરી ડાંગરવા ઘુમાસન રોડ ઉપર આવેલ ફેકટરીમાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરમાં સોડિયમ સાઇનાઇટનું મિશ્રણ કરી ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ગેરકાયદેસર ફેકટરીને ઝડપી પાડી હતી. તેમની પાસે ટેકનિકલ ગ્રેડ યુરિયા બનાવવા માટેનું લાયસન્સ માંગતા હાજર ઈસમો તે આપી શક્યા નહોતા. પૂછતાછમાં સમગ્ર ફેક્ટરીનો માલિક પટેલ હર્ષદ કુમાર ઉર્ફે વિનુભાઈ બળદેવભાઈ તેમજ હાજર ઈસમો તેના કહેવા મુજબ ફેકટરી ચલાવતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ ઝડપાયેલ નીમ કોટેડ ખાતરનો જથ્થો ધાનેરા માર્કેટ યાર્ડનો હોવાનું તેમજ ટ્રક ચાલકને અન્ય ઈસમોએ તેને અહીં લાવવા માટે જણાવ્યું હોવાનું તથ્ય બહાર આવ્યું હતું. નંદાસણ પોલીસમાં હાલ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે.

વજન કાંટા મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
મહેસાણા એલસીબીએ ફેકટરીમાં રેડ કરી ફેકટરીમાં હાજર ટ્રકમાં રાખેલ 25 મેટ્રિક ટન બેગ 556 કી.રૂ.1,19,180 સાથે ટ્રક ચાલક સોબરામ ખાન દોસ મહમદ સિંધી તથા ક્લીનર લુકમાન સિંધીને ઝડપી લીધા હતા. ફેકટરીનું સમગ્ર કામકાજ સંભાળતા સંત કુમાર ઉર્ફે સંતોષ ઇન્દ્રપાલ વર્મા તથા રામ મિલન ઈન્દ્રપાલ વર્માને ઝડપી પાડી ફેકટરીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતાં SUL RM 3 સોડિયમ સાઈનાઈટ પાવડર બેગ નંગ 270 કીં. રૂ.54,000 તથા સાદો સોડા પાવડર માર્કા વિનાની બેગ 100 કીં. રૂ.10,000 તથા લાઈટ સોડા એશ બેગ 370 કીં. રૂ.74,000 તથા ટેકનિક્લ ગ્રેડ યુરિયા બેગ 262 કીં. રૂ. 26,200 તથા સોડિયમ સાઇનાઇટ પાવડર ભરેલ પ્લાસ્ટિકની બેગ 130 કીં. 26,000, રિલાયન્સ પોલીથીન લખેલ થેલીઓના બંડલ 22, કીં. રૂ.1000 તથા અન્ય સમાન તથા સિલાઈ મશીન અને વજન કાંટા મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

10 રૂ. કિલોના યુરિયાખાતરને પ્રોસેસથી 50 રૂ. કિલો બનાવતી ફેકટરી
ખેડૂતોને સરકારની સબસિડીથી ખેતી માટે નીમ કોટેડ યુરિયા 45 કિલોની બેગ માત્ર 267 રૂ. મળે છે, પરંતુ કાળા બજાર કરતા વેપારીઓ તે યુરિયા ખાતર ફેકટરીમાં 10 રૂ. કિલો એટલે 450 રૂ. બેગના ભાવે ગેરકાયદેસર વેચી મારે છે. ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતરનો કિલોનો ભાવ અંદાજે 40થી 50 રૂ. છે. જેની બેગ 50 કિલોની આવે છે, એટલે બેગની કીં. રૂ. 2000થી 2500 થાય છે. ડુપ્લીકેટ ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવતી ઝડપાયેલી ફેકટરીમાં સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયામાં સોડા એશ મિશ્રણ કરી તેને ટેકનિકલ ગ્રેડ યુરિયા ખાતર બનાવવામાં આવતું હતું. 10 રૂ.ના ભાવમાં લાવેલ આ સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની એક જ પ્રોસેસમાં સીધા 40 જે 50 રૂ.ના ભાવનું યુરિયા વેચતા. ત્યારે આ યુરિયા બનાવતા લોકો અત્યાર સુધી કેટલો નફો કમાયા હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

કેમ ઉપયોગમાં લેવાય છે સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર???
મહેસાણા જિલ્લામાં સન માઇકા, પાર્ટિકલ બોર્ડ સહિતની અન્ય ચીજો બનાવતી ફેક્ટ્રીઓ મોટા પ્રમાણમાં આવેલ છે. આમાં સન માઇકા અને પાર્ટિકલ બોર્ડ માટે ગમ (ગુંદર) તરીકે ઉપયોગ માં લેવા માટે એક ખાસ પ્રકારનાનું યુરિયા ફોર્મલડિહાઈડ રેસિંગ વપરાય છે. આમ તો ટેકનિકલ ગ્રેડ યુરિયાથી તેની ક્વોલિટી સારી બને છે, પરંતુ ટેકનિકલ ગ્રેડ યુરિયાનો ભાવ કિલોએ 40 થી 50 રૂ. જેટલો હોય છે. જેથી રેઝીન બનાવનાર ફેક્તરીઓને તે મોઘું પડે છે. જેના પ્રમાણમાં ખેડૂતો માત્ર વપરાતું નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત હોવાથી તે વેપારીઓ કાળાબજારમાં પણ કિલોના 10 રૂ.ના ભાવે આસાનીથી મળી રહે છે. જેથી તેનો ઉપયોગ કરવાથી ફેક્ટરીઓને ઉંચો નફો મળતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...