આજે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યાં છે અને ધાબા ઉપર એ કાપ્યો છેના અવાજો ગુંજી રહ્યા છે. લોકો પોતાની મસ્તીની અંદર પતંગ ચગાવી રહ્યાં છે. તેમજ અનેક જગ્યાએ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે દાન પુણ્યના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અનુસંધાને કડી તાલુકાના કાસવા ગામે છેલ્લા 25 વર્ષથી ચાલતી દાનની પ્રણાલી આ વર્ષે પણ જળવાઈ રહી હતી.
કડી તાલુકાના કાસવા ગામે ગ્રામજનો દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે કડી પાંજરાપોળ ખાતે 20 ટ્રેક્ટર ભરીને પશુઓ માટે પુળાનું દાન કર્યું હતું. મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ગામની અંદર છેલ્લા 25 વર્ષથી પ્રણાલી ચાલી રહી છે અને ઉત્તરાયણ તહેવાર અને થોડાક દિવસો બાકી હોય જે દરમિયાન ગ્રામજનો દ્વારા અલગ અલગ દરેક જ્ઞાતિના લોકો પુળા એકત્ર કરે છે. ઉત્તરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય કરે છે.
કડીના કાસવા ગામના સરપંચ બાબુ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં છેલ્લા 25 વર્ષથી અબોલા પશુઓ માટે ઘાસચારો એકત્રિત કરીને કડી પાંજરાપોળ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે મોકલાવીએ છીએ. આગામી સમયમાં પણ આ પ્રણાલી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
કડી તાલુકાના કાસવા ગામના પૂર્વ સરપંચ રતિ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે 24-25 વર્ષથી આ સેવાકીય કામગીરી કરતા આવી રહ્યાં છીએ. ઉત્તરાયણના દિવસે ગામની અંદર દરેક જ્ઞાતિના લોકો ફાળો આપે છે. ઘાસચારો અમે કડીની પાંજરાપોળ ખાતે મોકલાવીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.