પરિવાર અને જિલ્લાની યશકલગીમાં વધારો:ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ યોગ સ્પર્ધામાં કડીની પુજાએ ગોલ્ડ મેડલ મેળવ્યો; મિસ યોગીનીનો પણ ખિતાબ મેળવ્યો

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી શહેરના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ સિટીમાં રહેતી પૂજા પટેલે ફરી એકવાર પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું. ગુજરાત યોગ સ્ટેટ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી અને મિસ યોગીની પૂજા પટેલે ફેમિલી કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ યોગ સ્પર્ધામાં પાંચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, મહીસાગર જિલ્લાઓના સમાવેશ થાય છે. દરેક જિલ્લાના છ-છ સ્પર્ધકો મળી કુલ 30 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં રહેતી મિસ યોગીની પુજા પટેલ પ્રથમ ક્રમે રહી હતી.

પુજા પટેલે અનેક વખત યોગ સ્પર્ધામાં મેડલો, સર્ટિફિકેટ મેળવ્યા છે અને મિસ યોગીનીનો પણ ખિતાબ મેળવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન લેવલની આ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર યોગીની પૂજાને રૂપિયા એકવીસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. મેડલ વિતરણ મેયર હિતેશ મકવાણા અને ઘનશ્યામ જાનીના હસ્તે કરાયા હતા. પુનઃ એક વખત યોગ સ્પર્ધામાં પુજાએ મહેસાણા જિલ્લા તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...