કડી તાલુકાના ડાંગરવા ગામની શાળાએ લાઇટબિલનો ખર્ચ બચાવવા સોલાર પેનલ લગાવી છે. જેના થકી વાર્ષિક સરેરાશ રૂ.18 થી 20 હજારની બચત થઇ રહી છે. હાલ ઉનાળામાં વીજળીનો વધુ પડતો ઉપયોગ થતો હોવાને કારણે વપરાશ વધતાં લાઈટબિલ પણ વધુ આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવેલ રિન્યુએબલ એનર્જીના મહત્તમ ઉપયોગ અંગે હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે.
સૂર્યશક્તિનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે અને પોતાના વપરાશ સિવાય વધારાની વીજળીમાંથી આવક પણ મેળવી રહ્યા છે. કડી તાલુકાના ડાંગરવા ગામની એન.બી. પંચાલ હાઇસ્કૂલમાં સોલર સિસ્ટમ લગાવાઇ છે. જેના થકી રોજ સરેરાશ 25 થી 30 યુનિટ એટલે કે મહિને 750 થી 900 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.
જેનાથી શાળામાં વીજ ખર્ચનું ભારણ ઘટવા સાથે વાર્ષિક લાઈટબિલમાં ફાયદો થયો છે. બાળકોને પણ અભ્યાસમાં ઘણો લાભ મળ્યો છે. શાળા મંડળના સભ્યો, પ્રમુખ દિલીપસિંહ ડાભી, આચાર્ય સુરેશભાઈ પટેલ તથા દાતાઓ નારણભાઈ બેચરદાસ પટેલ અને ભીખાભાઇ વિહિદાસ પટેલના પ્રયત્નોથી સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઇ છે. શાળાના સૂત્રો મુજબ, એક દિવસની 25 થી 30 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.
જેનાથી શાળાને વાર્ષિક લાઇટબિલમાં રૂ.18થી 20 હજારનો સીધો ફાયદો થાય છે. સોલાર સિસ્ટમ નહોતી ત્યારે બે મહિને રૂ.3000 લાઇટ બિલ આવતું હતું. 20 સોલાર પેનલ લગાવવામાં રૂ.3.50 લાખનો ખર્ચ થયો છે. સૂર્યના કિરણો સોલર પેનલ ઉપર પડી સોલર પેનલમાં ઉત્પન્ન થતી વીજળી ડાયરેક્ટ GEBમાં જાય અને મહિને જેટલા યુનિટ થાય તે મુજબ સ્કૂલમાં વપરાશ જેટલા યુનિટમાં GEB બિલમાં બાદ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.