સમૂહલગ્નનું આયોજન:કડી JCI દ્વારા ગરીબ પરિવારની 11 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવાયાં

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીકરીની વિદાય ટાણે ભાવુક દ્રશ્યો સર્જાયા - Divya Bhaskar
દીકરીની વિદાય ટાણે ભાવુક દ્રશ્યો સર્જાયા
  • કન્યા વિદાય વખતે મહિલા કાર્યકરો દીકરીઓને ભેટીને રડી પડી

કડી જેસીઆઈ દ્વારા શુક્રવારે મહિયરની ચુંદડી કન્યાદાન સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 11 નવદંપતીઓએ ભાગ લીધો હતો. જેમાં માતા પિતાની છત્રછાયા ગુમાવેલી ત્રણ દીકરીઓનું કન્યાદાન જેસીઆઈના સભ્યોએ કર્યું હતું.

નવદંપતીઓને આશીર્વચન આપવા ઉદ્યોગપતિ દિલીપભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિ.પં. પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર સહિત અગ્રણીઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કડી જેસીઆઈ પ્રમુખ જતીન પટેલ, કલ્પેશ આચાર્ય, અભય શાહ, જનક જોષી, ડૉ.વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત જેસીઆઈ મહિલા વિંગે જહેમત ઉઠાવી ગરીબ પરિવારની 11 દીકરીઓના લગ્નમાં મહેંદી રસમ, રાસ-ગરબા અને કરિયાવરમાં ચીજવસ્તુની ભેટ આપતાં કન્યા પરિવારની આંખોમાંથી હરખનાં આંસુ સરી પડ્યાં હતાં. કન્યા વિદાય વખતે મહિલા કાર્યકરો દીકરીઓને ભેટીને રડી પડી હતી.

આ પ્રસંગે કડીના ભામાશા દિલીપભાઈ પટેલે જણાવ્યું કે, કડીમાં જાણે ભામાશા દાનવીર બનવાની હોડ લાગી છે. જેનો મને ખૂબ આનંદ છે. જાતિના વાડામાં કોઈએ ક્યારેય બંધાવું નહીં. હું મારી જાતને સર્વસમાજનો જ ગણું છું. આપણે એક જ જ્ઞાતિ હિન્દુ છીએ. મોહન ભાગવતે અખંડ ભારતનો સંકલ્પ કર્યો જે હિન્દુ જાતિ થકી જ પરિપૂર્ણ થશે. અખંડ ભારત દેશમાંથી 7 થી 8 દેશો અલગ બન્યા. કેન્દ્ર સરકારના અખંડ ભારતના સંકલ્પને હું બિરદાવું છે. કડીમાં આગામી વર્ષે સર્વ જ્ઞાતિની 100 કન્યાઓનાં લગ્ન કરવાનો સંકલ્પ છે.

કડી જેસીઆઈ દ્વારા 11 ગરીબ પરિવારની દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવતાં કન્યા વિદાય વખતે મહિલા કાર્યકરો દીકરીઓને ભેટીને રડી પડતાં લગ્નપ્રસંગમાં હાજર સૌ કોઇની આંખમાં આંસુ આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...