કાર્યવાહી:કડીના ઈન્દ્રાડ નશામાં ચાર પરપ્રાંતિયોનો આતંક પતિને મારી, પત્નીને બાંધી સાળીને ઉપાડી ગયા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેશ્વરી સોસાયટીની બાજુમાં રબારી કોલોનીની ઘટના, પોલીસ 4 કલાકે પહોંચી
  • રાત્રે શૌચક્રિયા માટે નીકળેલી બે મહિલાને અંધારામાં ખેતરમાં ઢસડી ગયા

કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં કલેશ્વરી સોસાયટીની બાજુમાં રબારી કોલોનીમાં રહેતા 4 પરપ્રાંતિય યુવકોએ દારૂના નશામાં ધૂત બની કોલોનીમાં રહેતી બે બહેનો શૌચક્રિયા માટે જતાં તેમને ઢસડી ખેતરમાં લઈ ગયા હતા. આ સમયે મહિલાના પતિએ પ્રતિકાર કરતાં તેને ઢોર માર મારી તેની પત્નીના હાથ-પગ બાંધી અધમૂવી હાલતમાં છોડી મૂકી તેની સાળીને ઉપાડી લઈ ગયા હતા.બનાવના ચાર કલાક પછી નંદાસણ પોલીસ ઘટના સ્થળે આવી હતી. જોકે બનાવ અંગે પીએસઓને પૂછતાં શનિવાર સાંજ સુધી ફરિયાદ નોંધાઇ નથી તેમ જણાવ્યું હતું.

ઈન્દ્રાડ ગામની સીમમાં કલેશ્વરી સોસાયટીની પાસે ગામના રબારી દીનુભાઈ ઝવેરભાઈએ બનાવેલી કોલોનીમાં પરપ્રાંતિય મજૂરો ભાડેથી રહે છે. શુક્રવારે રાતે અહીં રહેતા રામજીવન યાદવ અને તેના મિત્રો શિશપાલ યાદવ સહિત 4 શખ્સો દારૂના નશામા ધૂત બની કોલોનીમાં જ રહેતા ગણેશ યાદવની પત્ની અને તેની સાળી રાતે શૌચક્રિયા માટે જતી હતી ત્યારે બંનેને પકડી ઢસડીને ખેતરમાં લઈ ગયા હતા.

થોડીવાર લાગતાં ગણેશ યાદવ તપાસ કરવા ગયો તો ચાર શખ્સો પત્ની અને સાળીને ખેતરમાં ઢસડી જતા હતા, આથી ગણેશે પ્રતિકાર કરતાં તેને ધોકાથી માર માર્યો હતો. ગણેશે બચાવો બચાવોની બૂમાબૂમ કરતાં કલેશ્વરી સોસાયટીમાં ચોરીના બનાવોને પગલે રાતે ચોકી કરતા યુવકો સહિત ખેતરમાં દોડી જતાં શખ્સો ગણેશની પત્નીને હાથપગ દોરડાથી બાંધેલી હાલતમાં છોડી તેની સાળીને ઉપાડી ગયા હતા.

ગણેશ અને તેની પત્નીને નંદાસણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ લઈ ગયાનું મનોજ શાહુએ જણાવ્યું હતું. પીઆઈ રોમા ધડૂક બનાવના 14 કલાક પછી પણ બનાવથી અજાણ હોવાનું અને શનિવારે બપોરે ત્રણ કલાકે પીઆઈને બનાવની અમદાવાદથી વર્ધી મળતાં ઈજાગ્રસ્તોના નિવેદન લેવા જવાનું છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...