નુકસાન:કડી તાલુકામાં કપાસનો 80 ટકા પાક સતત વરસાદથી બળી જતાં ખેડૂતોની કફોડી હાલત

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાખરીયા ટપ્પા, થોળ, ખાવડ, ડરણ, વિડજ સહિતના વિસ્તારોમાં વધુ નુકસાન

કડી તાલુકામાં આ ચોમાસામાં સતત અને ભારે વરસાદના કારણે ખેતરોમાં કપાસનો પાક બળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંઘાં બિયારણો, ખેડ, ખાતર અને મજૂરી ચૂકવી તૈયાર પાક વરસાદના કારણે ફેલ જતાં ખેડૂતોએ પછેડી ઓઢીને રોવાનો વારો આવ્યો છે.કડીમાં કૃષિ વિભાગના આંકડા મુજબ, ચાલુ સિઝનમાં 4025 હેક્ટરમાં બીટી કપાસનું વાવેતર થયું છે. મુખ્યત્વે ખાખરીયા ટપ્પા, થોળ, ખાવડ, ડરણ, વિડજ સહિતના વિસ્તારોના ખેડૂતોએ કપાસનું વધારે વાવેતર કર્યું હતું. 4-5 વીઘામાં રૂ.50-60 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસનો પાક તૈયાર કર્યો હતો.

પરંતુ કડી પંથકમાં નવરાત્રી પહેલાં અને પછી મળી સિઝનમાં કુલ 792 મીમી વરસાદ પડતાં ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં કપાસનો પાક બળી ગયો હતો. ડરણ, ખાવડ, વિડજ સહિત ગામના ખેડૂતોએ કપાસનો પાક ફેલ જતાં ખેડ કરી કપાસ ઉખેડી નાખી ખેતરો ચોખ્ખા કરી નાખ્યા છે. ડરણના ખેડૂત હસમુખભાઈએ 5 વીઘામાં રૂ.50 હજારથી વધુનો ખર્ચ કરી કપાસ વાવ્યો હતો. પરંતુ વધુ વરસાદથી પાક બળી ગયો. હાલમાં જ ખેતર ખેડી ચોખ્ખું કરી નાખ્યું છે.

ચાયડા જમીનમાં કપાસનું વાવેતર ના કરવું
જે જમીનમાં પાણીનો આવરો વધુ હોય, ચાયડા જેવું ખેતર હોય તેમાં કપાસનું વાવેતર કરો એટલે તેમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાક નાશ પામવાનો છે. કડી તાલુકાના ખાખરીયા ટપ્પા વિસ્તારમાં આ સમસ્યા બની છે. પરંતુ ખાખરીયા ટપ્પા, નંદાસણ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાક બળી જવાની હજુ સુધી ફરિયાદ મળી નથી તેમ કડીના કૃષિ અધિકારી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...