નજીવી બાબતે ઝઘડો:કડીમાં પિતા-પુત્રએ બાઈક પર જતાં યુવકને ઉભો રાખી 'અમારો પીછો કેમ કરે છે' કહી હુમલો કર્યો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેરમાં નાની-નાની વાતો તેમજ નજીવી બાબતમાં નાના મોટા ઝઘડામાં વધારો થતો જોવા મળ્યો છે. કડી શહેરમાં આવેલ જુમ્મા મસ્જિદ પાસે બાઈક લઈને જતાં યુવાન પર પિતા પુત્રએ હુમલો કરાતાં યુવાનને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. આ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે પિતા-પુત્ર ઉપર ગુનોં દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

પિતા-પુત્રએ યુવાન પર હુમલો કર્યો
કડી શહેરના કસ્બા વિસ્તારમાં રહેતો રફીક શેખ કે જે પોતે ગેરેજનું મજૂરી કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. તે રાત્રે 11 વાગ્યે ગેરેજનું કામ પતાવીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં જુમ્મા મસ્જિદ પાસેથી પસાર થઈને પોતાના ઘર તરફ જતાં સમયે ઘોરી નાસિર ખાન ઉર્ફે ચટણી તેમજ તેમના પુત્ર ઘોરી અલી શેખે રફીકને ઉભો રાખ્યો અને કહેવા લાગ્યા કે, 'તું મારો પીછો કેમ કરે છે?' તો રફીકે કહ્યું કે, હું મારા ઘરે જઈ રહ્યો છું તમારો પીછો કાંઈ નથી કરી રહ્યો. આટલું યુવાને કહેતાં જ પિતા-પુત્રએ યુવાન પર હુમલો કર્યો હતો.

પોલીસે પિતા-પુત્ર ઉપર ગુનોં દાખલ કર્યો
યુવાનના બંને હાથ ઉપર બ્લેડના ચેકા મારી તેને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો. બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં અને પિતા-પુત્ર સ્થળ ઉપરથી નાસી છુટ્યાં હતાં. ઘાયલ યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પિતા પુત્ર ઉપર ગુનોં દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...