કડીના કોટન માર્કેટયાર્ડમાં રવિવારે નાડિયા ઉત્કર્ષ સંઘ દ્વારા આયોજિત 5મા સમૂહ લગ્નમાં 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. અમદાવાદ ખોરજના વતની બાબુભાઈ કે.પટેલ તથા કૈલાશબેન બાબુભાઈ પટેલ (જય સોમનાથ પરિવાર) પરિવારે સમૂહલગ્નમાં 5000 લોકોને ભોજન પ્રસાદ, મંડપ ડેકોરેશન સેવાનો લાભ આપ્યો હતો. તથા કન્યાઓને પાનેતર, મંગળસૂત્ર, ચાંદીની પાયલ, સોનાની ચુની તથા પાર્વતી શણગારની ભેટ આપી હતી.
આ પ્રસંગે બાબુભાઈ પટેલે લગ્નો પાછળ થતાં ખર્ચ ઘટાડી સંતાનોને ભણાવવા માટે કરવા તેમજ અન્ય ગરીબ કે મધ્યમ પરિવારને મદદરૂપ બનવા આહ્વાન કર્યું હતું. સમૂહ લગ્ન કરવાથી ખોટા ખર્ચા ઘટે છે, સાસરીમાં વહુને દીકરી બનાવીને રાખશો તો ઘણી સમસ્યા આપમેળે મટી જશે તેમ જણાવ્યું હતું. ડિસ્ટ્રિકટ બેંક ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું કે, બાબુભાઈ પટેલ અગાઉ ગોસ્વામી, રાવળ, વાલ્મિકી અને નાડિયા સમાજના સમૂહ લગ્નમાં 100થી વધારે દીકરીઓનું કન્યાદાન કરી ચૂક્યાં છે.
આ પ્રસંગે ઉદ્યોગપતિ દિલીપ પટેલ, યાર્ડ ચેરમેન રાજેન્દ્ર પટેલ, બિન અનામત આયોગના પૂર્વ ડિરેક્ટર બબલુભાઈ ખમાર, મેસ્કોટ ગૃપના મહેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, શહેર ભાજપ પ્રમુખ જશવંત પટેલ સહિત નાડિયા સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલે 16 નવદંપતીઓને તિજોરી અને સિલિંગ ફેન ભેટ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.