નજીવી બાબતે હુમલો:કડીના અગોલ ગામે ભત્રીજા વહુ તેમજ પાડોશીને કાકાજીએ ઝગડવાની ના પાડતાં પાડોશીએ લોખંડની પાઇપ વડે માર માર્યો

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના અગોલ ગામે ભત્રીજાવહુ તેમજ પાડોશીઓ ઝઘડતાં હતાં. જે દરમ્યાન ત્યાંથી કાકાજી પસાર થતાં તેમણે ઝઘડો કરવાની ના પાડતા પડોશીએ પાઇપ વડે કાકાજી પર હુમલો કરતાં કાકાજી ઇજા પામ્યા હતા. તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાવલુ પોલીસે બે ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઝઘડો કરવાની ના પાડતાં કાકાજી પર હુમલો કર્યો
કડી તાલુકાના અગોલ ગામે રહેતા આલમભાઈ ખોખર બપોરે મસ્જિદમાં નમાઝ પડીને ઘરે આવી ગયાં હતાં. જે દરમ્યાન તેમના ભત્રીજા વહુ રુબિનાબેન અને તેમના પડોશી ગુલઝારબેન કોઈ કારણોસર ઝઘડતાં હતાં જે દરમ્યાન આલમભાઈ એ ઝઘડવાની ના પાડતાં ગુલઝારબેન અચાનક ઉશ્કેરાઈ જઈને આલમભાઈ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. તે દરમ્યાન આલમભાઈએ કહ્યું હતું કે તમે ગાળાગાળી શા માટે કરો છો અને કોઇ કારણ નથીને તમે બન્ને ઝઘડો છો. તેવું કહેતાં ગુલઝાર બેનના પતિ ફકીર મહમ્મદ ખોખરે ઘરમાંથી પાઈપ લઈને આવીને આલમભાઈ ખોખર ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. તે દરમ્યાન આલમભાઈએ બૂમાબૂમ કરતાં તેમનો ભત્રીજો બાબુભાઈ ખોખર પણ દોડી આવ્યો હતો અને બાબુભાઇને પણ ફકીર મહંમદે પાઇપ વડે માર માર્યો હતો. તે દરમ્યાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ફકીર મહમ્મદ ખોખર ત્યાંથી પત્ની સાથે નીકળી ગયા હતા અને આલમભાઈને ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આલમભાઈએ ફકીર મહમ્મદ તેમજ તેમની પત્ની વિરૂદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...