માર્કેટ યાર્ડ:કડી યાર્ડમાં 5 દિવસમાં એરંડાના ભાવમાં 80 નો ઉછાળો થતાં આવક 4 ગણી વધી

કડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસમાં 32 હજાર બોરીની આવક નોંધાઇ,એરંડાના 1450 થી 1480 સુધી પડ્યા

કડી માર્કેટયાર્ડમાં એરંડાના ભાવમાં તેજીને પગલે સૌ પ્રથમ વખત 1400 ની સપાટી વટાવી એક મણના રૂ.1450 થી 1480 સુધીના હરાજીમાં ભાવ મળતાં ખેડૂતો એરંડાનો માલ વેચવા માટે ઉમટી પડ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં જ એરંડાની આવકમાં 4 ગણા વધારા સાથે 32 હજાર બોરીની આવક થઈ હતી. અગાઉ રોજીંદી એરંડાની 2 થી 3 હજાર બોરીની નહિવત આવકો થતી હતી.

ગત ડિસેમ્બરમાં એરંડાની રોજીંદી 5000 બોરીની આવકો સામે રૂ.1150 સુધી ભાવ મળતાં હતા. જેમ જેમ આવકો ઓછી થતી ગઈ તેમ તેમ એરંડાના ભાવ ઊંચકાયા હતા. જાન્યુઆરીમાં 3 થી 4 હજાર બોરીની આવકો સામે રૂ.1270 સુધીના ભાવ પડ્યા હતા.ફેબ્રુઆરી દરમિયાન યાર્ડમા માંડ 2 થી 3 હજાર બોરીની આવક થતી હતી. ત્યારે સૌ પ્રથમ વખત એરંડાના રૂ.1300 ઉપરના ભાવ પડતા ધીમેધીમે આવકમાં વધારો થતો ગયો સામે ભાવ પણ ઊંચકાયા હતા.

28 ફેબ્રુઆરીએ એરંડાના ભાવે રૂ.1400 ની સપાટી વટાવતા આવકમાં એકદમ ઉછાળો જોવા મળ્યો હતો. કડી યાર્ડમાં માર્ચની શરૂઆતથી આવકમાં 4 ગણા વધારા રોજીંદી 7 થી 8 હજાર બોરીની આવક થતાં પાંચ દિવસમાં 32 હજાર બોરીની આવક થઈ હતી. જ્યારે ભાવમાં પણ રૂ.80 ના વધારા સાથે રૂ.1450 થી લઈ 1480 સુધીના ઊંચા ભાવ મળતાં ખેડૂતો હરખાયા હતા. એરંડાના રૂ.1450 સુધીના ઊંચા પોષણક્ષમ ભાવો મળતાં યાર્ડમાં આવકો વધી હોવાનું એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...