'યુવકના માથે તમંચો મૂકી કહ્યું, 'પતાવી દઈશ':હું રિટાયર્ડ આર્મીમેન છું, મારું મગજ સારું નથી, કહી ગાય લેવા ગયેલા ગોપાલક પર હુમલો કર્યો, વીડિયો ઉતારતાં તમંચો સંતાડ્યો

કડીએક મહિનો પહેલા

કડી શહેરના સુજાતપુરા રોડ ઉપર આવેલા ચંદીગઢ વિસ્તારમાં ગોપાલક ગાય લેવા માટે બાજુની સોસાયટીમાં ગયો હતો. જ્યાં એક ઈસમ ત્યાં આગળ આવી પહોંચ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારું મગજ સારું નથી, તને પતાવી દઈશ, જેવું કહીને ધોકા તેમજ તમંચા જેવાં હથિયાર વડે હુમલો કર્યો હતો. જ્યાં યુવકને ઈજાઓ પહોંચતાં કડીની ભાગ્યોદયને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલક યુવકે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

ગાયને પ્રસૂતિની પીડા ઊપડતાં દોડીને ભાગી ગઈ હતી
કડી શહેરના સુજાતપુરા રોડ ઉપર આવેલા ચંડીગઢ વિસ્તારમાં રહેતા અને પશુપાલકનો વ્યવસાય કરી રહેલા દેવેન્દ્ર ભરવાડ, જેઓ પરિવાર સાથે ચંડીગઢ વિસ્તારમાં જ રહે છે. ગાયને પાણી પિવડાવવા માટે તેઓ અને તેમનો દીકરો લઈ જતા હતા. એવામાં ગાયને પ્રસૂતિની પીડા ઊપડતાં ગાય દોડીને જતી રહી હતી. ત્યાં દેવેન્દ્ર અને તેમનો દીકરો સુહાગ બંને જણા પોતાની ગાયને આજુબાજુના વિસ્તારમાં શોધી રહ્યા હતા. તેમના દીકરા સુહાગે તેમની ગાય બાજુમાં રહેલી માતૃધામ સોસાયટીના કોમન પ્લોટમાં જોઈ હતી. ગાયને જોતાંની સાથે જ સુહાગ ગાયને લેવા માટે માતૃધામ સોસાયટીમાં ગયો હતો અને દેવેન્દ્ર ભરવાડ તેમના ઘરે જતા રહ્યા હતા. થોડીક વાર રહીને તેમના કુટુંબીક ભાઈએ તેમના ઘરની બહાર બૂમ પાડીને કહ્યું હતું કે તારી ગાય વિહાય છે અને સુહાગથી આવતી નથી. તો દેવેન્દ્ર ભરવાડ ગાયને લેવા માટે માતૃધામ સોસાયટીમાં ગયા હતા.

'હું રિટાયર આર્મીમેન છું, મારું મગજ સારું નથી'
કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલી માતૃધામ સોસાયટીના ગેટ પાસે એક ઈસમ દેવેન્દ્રને મળ્યા હતા અને કહ્યું હતું કે અલ્યા ગાયને કેમ છૂટી મૂકો છો, એમ કહેતાં દેવેન્દ્રએ કહ્યું કે ગાય મેં પાણી પાવા છોડી અને ભાગીને આવતી રહી છે, જેથી તેઓ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઈસમ ઉશ્કેરાઈ જઈને દેવેન્દ્રને કહેવા લાગ્યો કે હું રિટાયર્ડ આર્મીમેન છું, મારું મગજ સારું નથી, જેવું કહીને તેમના ઘરે દોડ્યા હતા અને ઘરમાંથી તમંચો તેમજ ધોકો લઈને આવી પહોંચ્યા હતા અને દેવેન્દ્ર સામે તમંચો તાકીને કહ્યું, તને હવે પતાવી દઇશ. તેઓ તમંચો મારવા જતાં દેવેન્દ્ર ખસી ગયો હતો. જ્યાં તમંચાનો હાથો તેમના ખભાના ભાગે વાગ્યો હતો.

વીડિયો ઉતારવા લાગતાં તમંચો સંતાડી દીધો
બંને ઇસમો સામસામે ઝઘડો કરતા જોઈ માતૃધામના રહીશો આવી પહોંચ્યા હતા. દેવેન્દ્ર ભરવાડ પોતાના મોબાઈલની અંદર વીડિયો ઉતારવા લાગતા તમંચો લઈને આવેલા ઇસમે પોતાનો તમંચો સંતાડી દીધો હતો. જ્યાં મામલો બિચકતાંની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને ઝઘડો કરતા ઈસમોને છોડાવવામાં આવ્યા હતા. દેવેન્દ્રએ તેમના પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં તેને ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત દેવેન્દ્રએ કડી પોલીસને જાણ કરી હતી અને વીડિયો પણ બતાવ્યો હતો. જ્યાં પોલીસે કડીની માતૃધામ સોસાયટીમાં રહેતા મુકેશ પટેલની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...