નિતિનભાઈ આકરાપાણીએ:કહ્યું, 'ગાયે ભેટું મારી પાડ્યો એ આખી દુનિયાએ જોયું, સારું કામ યાદ નથી કરતા, અમે માર ખાધો પણ છે ને માર્યા પણ છે'

કડી4 મહિનો પહેલા

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનું હવે રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ધીરે-ધીરે દરેક પક્ષો દ્વારા પોતાના મતવિસ્તારમાં પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે કડી કમળ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય ​​​​​​ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સારું કામ કરીએ એ કોઈ જોતું નથી પણ ગાયે ભેટુ માર્યું એ આખી દુનિયાએ જોયું. પણ તે સમયે મારા હાથમાં રહેલો તિરંગો મે પડવા ન દીધો અને તે મારા હાથમાં ફરક્તો રહ્યો હતો.

હું જીવું છું ત્યાં સુધી ભાજપ સિવાય વાત નહીં કરું: નીતિન પટેલ
કડી 24-વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કરસન સોલંકીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કડીમાં કડી કમળ સર્કલ ખાતે મધ્યસ્થ ભાજપના કાર્યાલયનું આજે ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આગવી શૈલીમાં જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, હું જીવું છું ત્યાંસુધી ભાજપ સિવાય વાત નહીં કરું. મહેસાણા અને કડી તો મારા ડાબા અને જમણા હાથ છે. કરસનભાઈ તો ધારાસભ્ય ખરા અને કરસનભાઈ જોડે હવે હું પણ વધારાનો ઉમેરાવાનો છું. પહેલાં તો હું મંત્રી હતો એટલે વધારે ટાઇમ આપી શકતો ન હતો, હવે તો મારા જોડે ઘણો ટાઈમ છે. કડી-મહેસાણા અને ગુજરાતના દરેક ખેડૂતોને અને દરેક લોકોને હું થાય એટલી મદદ કરવાનો છું જરુર પડે તો હું કાર્યાલય પણ ખોલવાનો છું.

સારું કામ કરીએ એ કોઈ જોતું નથી પણ ગાયે ભેટુ માર્યું એ આખી દુનિયાએ જોયું: નીતિન પટેલ
તેમણે સભા સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સારું કામ કરીએ તો કોઈ જોતું નથી, પરંતુ ગાયે ભેટુ મારી તો આખી દુનિયાએ જોયું. પણ તેમાંથી એક વાત નીકળી પત્રકાર મિત્રોએ ટીવીમાં તેમજ પેપરો દ્વારા મને ધ્યાન ઉપર મૂક્યું કે, તિરંગા રેલી દરમિયાન ગાયે ભેટુ માર્યું હતું. તે સમયે મારા હાથમાં રહેલો તિરંગો પણ મેં પડવા ન દીધો અને ભગવાને પણ મને પડવા ન દીધો અને મારા પગમાં ખાલી ફ્રેક્ચર જ થયું હતું. પણ મારા હાથમાં તિરંગો હતો તે ફરકતો રહ્યો હતો, એ જ રીતે તિરંગો અને કમળ ફરકતા રહે એવી રીતે આપણે સૌએ કામ કરવાનું છે. એવું કહેતાં જ સભામાં બેઠેલા લોકોએ ભારત માતાકી જયના નારા સાથે સમગ્ર સભાને ગુંજાવી દીધી હતી.

અમે બધા લડી લડી માર ખાધો છે અને મારયા પણ છે: પૂર્વ નાયબ મુખ્યમંત્રી
દબંગ સ્ટાઇલથી સભા સંબોધતા ઉમેર્યું કે, અમે લડી લડીને માર પણ ખાધો છે અને મારયા પણ છે. અમારા ઉપર પોલીસ કેસ પણ થયો છે અને અમે બીજા ઉપર પણ પોલીસ કેસો કર્યા પણ છે. મારા ઉપર 5,6 પોલીસ કેસ ચાલતાં હતાં એટલે હું ઉમેદવારી પત્રમાં લખું કે મારા ઉપર 5,6 પોલીસ કેસ ચાલે છે. એટલે બીજા દિવસે છાપાંવાળા છાપે કે આ માથાભારે માણસો આ દબંગ લોકો ઉમેદવારી કરવા માટે નીકળ્યા છે. કેસ હતા એટલે દબંગ કહેવાય પણ કેવી રીતે દબંગ હતાં અમે કોંગ્રેસની સરકાર સામે લડતા હતા અને આંદોલનો કરતાં હતાં એટલે અમારા ઉપર કેસ થતાં હતાં.

સેશન કોર્ટમાં લડી લડીને અમે નિર્દોષ છૂટ્યા
1974માં નવનિર્માણ આંદોલન થયું તેમાં સમિતિનો હું કડીમાં મહામંત્રી હતો, તે વખતે અમારા ઉપર પથ્થર મારો કરવાનો કેસ થયો હતો. પોસ્ટ ઓફિસ સળગાવવાનો કેસ થયો હતો. હું હોઉં કે ન હોઉં પોલીસ વાળાઓની તો ખબર છેને છીંડે ચડ્યો ચોર કેવી રીતે પહેલું તો નીતિનભાઈ તો લખાઈ જાય. સેશન કોર્ટમાં લડી લડીને અમે નિર્દોષ છૂટ્યા હતા. આ બધા કેસ પ્રજા માટેના કેસ પ્રજાને મદદરૂપ થવાના આ બધા કેસ પણ કેવા અમારા માથે માથાભારે ઉમેદવારનો સિક્કો આવે તેવા પોતાની આગવી શૈલીમાં સભાને સંબોધી હતી.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, કડી ભાજપના ઉમેદવાર કરસન સોલંકી, એપીએમસી ચેરમેન રાજુ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, શહેર પ્રમુખ જશુ પટેલ, તેમજ કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...