ગત 14 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ઘણી ઉત્સુકતાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આજે ધોરણ 10ના ત્રણ વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાનનું પેપર આપી ઘરે ગયા હતા. ઘરે ગાડી જોઈ ફરવાનું મન બનાવી પરિવારને જાણ કર્યા વગર ગાડી લઈને મોજમસ્તી કરવા માટે બહાર નીકળ્યા હતા. જ્યાં કાર બેકાબૂ થતા કેનાલની દીવાલ તોડી અંદર ખાબકી હતી. જેમાં બેના તો જીવ બચી ગયા પરંતુ, એક પાણીના વહેણમાં તણાઈ જતા શોધખોળ ચાલુ છે.
કડીના કરણનગર રોડ ઉપર રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 10નું પેપર પતાવીને ઘરે કીધા વગર ફરવા માટે ગાડી લઈને નીકળી ગયા હતા. કડીના થોર રોડ ઉપર આવેલી બોરીસણા મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપરથી દીવાલ તોડીને વેગેનાર ગાડી સહિત ત્રણેય વિદ્યાર્થીઓ કેનાલમાં પડ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને બે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થી ગાડી સાથે અંદર ડૂબ્યો, જેની હજુ સુધી ભાળ કે ગાડી મળી નથી. જ્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. તેમજ કડી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. જોકે હાલ ક્રેન અને તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ છે.
અચાનક જ ગાડી કેનાલની દીવાલને અથડાઈ કેનાલમાં ખાબકી
કડીના કરણ નગર રોડ ઉપર રહેતા જીગ્નેશ, તક્ષ અને દેવ ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ 10માં એક જ ક્લાસમાં સર્વ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. જે દરમિયાન આજે ધોરણ 10નું પેપર પતાવીને તેઓ ઘરે ગયા હતા. જીગ્નેશે તેના ઘરે રહેલી વેગેનાર ગાડી લઈને ત્રણેય મિત્રો સાથે કડીમાં ફરવા માટે નીકળ્યા હતા. જ્યાં તેઓ નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા અને અચાનક જ વેગેનાર ગાડી દીવાલને અથડાઈ કેનાલમાં ખાબકી હતી. જોકે ત્યાંથી પસાર થતી મહિલાએ બેના તો જીવ બચાવ્યા પણ એકને ન બચાવી શકી.
મેં સાડી નાખીને બે જણને બહાર કાઢ્યા: ભાવનાબેન ઠાકોર
બે વિદ્યાર્થીને બચાવનાર મહિલા જોડે દિવ્ય ભાસ્કરે વાત કરી તો જાણવા મળ્યું, કે મહિલા કડી તાલુકાના વરખડિયા ગામના વતની અને હાલ શિયાપુરા ખાતે રહેતા ભાવનાબેન ઠાકોર કે જે બંને પતિ પત્ની કડિયા કામની મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓ આજે એટલે કે, ગુરુવારે ખાતર ગામે ભાવનાબેન તેમના પતિ અને મોટી દીકરી સાથે તેમની નાની દીકરીની ખબર કાઢવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ બોરીસણા મુખ્ય નર્મદા કેનાલથી સર્વિસ રોડ ઉપર થઈને શિયાપુરા ઘરે આવી રહ્યા હતા.
'બાઈક ઊભી રાખી તો બંને યુવક મદદ માગી રહ્યા હતા'
કેનાલ પરથી પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાન નર્મદા કેનાલમાં બે લોકો બૂમો પાડી રહ્યા હતા, કે અમારી હેલ્પ કરો અમારી હેલ્પ કરો...જે દરમિયાન તેમના પતિએ કહ્યું કે, આ તો બંને જણા અંદર નાહવા માટે પડ્યા છે. પણ ભાવનાબેને કહ્યું કે ના આ લોકો મદદ માગી રહ્યાં છે. એટલે બાઈક ઉભું રાખો જ્યાં બાઈક ઊભું રાખ્યું તો બંને યુવકો મદદ માગી રહ્યા હતા અને બૂમો પાડી રહ્યા હતા. જે દરમિયાન મહિલા ભાવનાબેને તેમણે પહેરેલી સાડી કાઢીને તેમના પતિની મદદથી સાડી અંદર નાખી હતી અને તેમના પતિએ તેમજ મહિલાએ આજુબાજુના લોકોને બૂમો પાડીને બોલાવ્યા હતા અને ખેંચીને બંને જણને બહાર કાઢ્યા હતા. જ્યારે દેવ ગાડી સાથે અંદર ડૂબ્યો હતો, જેની હજુ સુધી લાશ કે ગાડી મળી નથી. જ્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે તેમજ કડી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી છે.
વિદ્યાર્થીની પાંચ કલાકથી કોઈ ભાળ નહીં
એક વિદ્યાર્થી ગાડી સાથે પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો. પાંચ કલાક ઘટનાને થયા પરંતુ હજુ સુધી કોઈ જ ભાળ મળી નથી. ઘટનાને લઇ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટરના કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમજ ક્રેન પણ આવી પહોંચી હતી. જ્યાં ક્રેન અને ફાયર ફાઈટરના કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીની ઘટનાને લઈ કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.