એક ડ્રાયવરનું ઘટના સ્થળે મોત:કડીમાં પીકઅપ ડાલા અને આઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ડ્રાયવરોને ક્રેનથી બહાર કઢાયા

કડી25 દિવસ પહેલા

કડી તાલુકાના બુડાસણ પાસે આઇવા ટ્રક અને પીકઅપ ડાલાને ભયંકર અકસ્માત થયો હતો. ગાંધીનગરના સાદરાથી પીકઅપ ડાલુ એરંડા ભરીને કડી માર્કેટયાર્ડ ખાતે આવતું હતું. જે દરમ્યાન કડી તાલુકાના બુડાસણ પાસે પહોંચતાં આઇવા ટ્રકે પીકઅપ ડાલાને ટક્કર મારતા પીકઅપ ડાલાનાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે હાઇવા ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માત થતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા
કડી તાલુકાના બુડાસણ પાસે આવેલ જાનકી ઓઈલ મીલ પાસે ‍પીકઅપ ડાલુ તેમજ હાઈવા ટ્રકનો ભયંકર અકસ્માત થયો હતો. પીકઅપ ડાલા નં GJ 18 AX 3564 ગાંધીનગર જિલ્લાના સાદરાથી એરંડા ભરીને કડી માર્કેટયાર્ડ ખાતે આવતું હતું. જે દરમ્યાન બુડાસણ પાસે આવેલ જાનકી ઓઈલ મીલ પાસે પહોંચતા કડી તરફથી આવી રહેલ આઇવા ટ્રક નં GJ 9 AU 6816 ચાલકે પીકઅપ ડાલાને ટક્કર મારતા પીકઅપ ડાલાના કૂરચા બોલાવીને રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગયુ હતુ. જ્યારે પીકઅપ ડાલામાં ભરેલ એરંડા પણ વેરવિખેર થઈ ગયાં હતાં. અકસ્માત થતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પીકઅપ ડાલાનાં ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. એને જોતાં પીકઅપ ડાલાને ડ્રાઈવર ચૌહાણ અમૃતભાઈ રેવાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકને કડીની કૂંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડાયા હતા.

ડ્રાઈવરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા
પીક અપ ડાલુ પલ્ટી ખાઈ જતા નજીકના માણસોએ ક્રેન બોલાવીને પીકઅપ ડાલાનું પતરુ તોડીને મૃતક ડ્રાઈવરને બહાર નિકાળ્યો હતો. તેમજ આઇવા ટ્રક ચાલકને પણ ક્રેનની મદદથી બહાર નિકળતાં તેને ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો. બુડાસણ ખાતે અકસ્માત સર્જાતા કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીકઅપ ડાલાનાં ડ્રાઈવરના પુત્રએ હાઇવા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...