કડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે પ્રાંત અધિકારી પી.સી. દવેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે ભીખાભાઈ પટેલ (રંગપુરડા) અને ઉપપ્રમુખ પદે ચંદુભાઈ પટેલ (કલ્યાણપુરા)ની બિનહરીફ વરણી કરાઈ હતી. સંઘની વ્યવસ્થાપક કમિટીના 11 સભ્યોની ચૂંટણીમાં 11 જ ફોર્મ ભરાતાં તમામ 11 સભ્યો બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. સોમવારે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી પી.સી. દવેની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી.
જેમાં પટેલ અમૃતભાઈ કાળીદાસે પ્રમુખ પદ માટે પટેલ ભીખાભાઈ કેશવલાલના નામની કરેલી દરખાસ્તને સોમાભાઈ પટેલે ટેકો આપ્યો હતો, અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતાં પ્રમુખ તરીકે ભીખાભાઈની સતત ત્રીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે ભરતભાઈ પટેલે ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ કાંતિભાઈ પટેલના નામની દરખાસ્ત કરતાં તેને સોમાભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો.
બીજા કોઇ ઉમેદવાર ન હોઈ તેમની પણ બિનહરીફ વરણી થઈ હતી. બેઠકમાં ડિસ્ટ્રિકટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, સંઘના મેનેજર મહેશ પટેલ સહિત અગ્રણીઓ, કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.