કડી શહેરના મલારપુરામાં રહેતી મહિલાને તેના જ મોહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવકના પરિવારજનો નાખુશ હતા. જે બાબતે યુવકના પરિવારજનોએ મહિલા ઉપર હુમલો કરી નાખ્યો હતો. મહિલાને માથાના ભાગે ટાકા આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં કડી પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા આદર્શ હાઇસ્કૂલની પાછળ મલાલપુરામાં રહેતી સીતાબેન રાવળ કે જેઓના પતિ કડી માર્કેટ યાર્ડની અંદર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યાં મહિલાને તેના જ મોહોલ્લામાં રહેતા પ્રકાશ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ છે તે બાબતથી પ્રકાશના ઘર તથા પરિવારજનો નાખુશ હતા. જેથી યુવકના પરિવારજનો ગાળાગાળી કરવા લાગ્યા હતા અને તે દરમિયાન સીતાબેન તેમજ તેની નણંદ તે લોકોને સમજાવવા માટે ગયા હતા.
તે દરમિયાન પ્રકાશના પિતા સીતાબેન અને તેમની નણંદ ઉપર ધોકા તેમજ લાકડીઓ વડે તૂટી પડ્યા હતા અને મામલો બિચક્યો હતો. જ્યાં ઝઘડો થતાં આજૂબાજૂના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને સીતાબેનને મારમાંથી બચાવી હતી. ત્યારે લાભ ઉઠાવી બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલાખોરો જતા જતા સીતાને કહેવા લાગ્યા હતા કે, તું મારા દીકરા પ્રકાશને હવે પછી ભૂલી જજે નહિંતર તારા આખા કુટુંબને પતાવી દઈશું. જેવું કહીને પિતા-પુત્ર ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનામાં મહિલાને લોહી નીકળતા મહિલાને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને માથાના ભાગે ટાકા આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે બાબતે કડી પોલીસે અમરત રાવળ અને હિતેશ રાવળ ઉપર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.