હલ્લાબોલ:કડીના 17 ગામના ખેડૂતોનો ગેસલાઇન મામલે પ્રાંતમાં હંગામો

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકાના 17 ગામના 161 ખેડૂતોનો પ્રાંત કચેરીમાં ગેસલાઈન નહીં નાખવા મામલે હંગામો કર્યો હતો. - Divya Bhaskar
કડી તાલુકાના 17 ગામના 161 ખેડૂતોનો પ્રાંત કચેરીમાં ગેસલાઈન નહીં નાખવા મામલે હંગામો કર્યો હતો.
  • ખેડૂતોની જમીનમાંથી ગેસની લાઇન પસાર થતી હોઇ 171 ખેડૂતોને નોટિસ આપતાં આક્રોશ, જાણ કર્યા વગર જ નોટિસો આપી: ખેડૂતો
  • કંપનીના અધિકારીઓ સાથેની બેઠકમાં ખેડૂતોનો એકસૂર, ગેસલાઇન સરકારી જમીનમાં નાખો, જમીનોના માલિકી કબ્જા અને ક્ષેત્રફળમાં ફેરફારોની મોટી સમસ્યા

ભારત સરકારના રાજપત્ર નં.4036 વર્ષ 2020 અન્વયે કંડલા ગોરખપુર એલ.પી.જી પાઈપલાઈન પરિયોજના ચાલુ કરવા આઈ.એચ.બી.લી. દ્વારા લીક્વીફાઈડ પેટ્રોલીયમ ગેસની હેરાફેરી કરવા મામલે જમીન નીચે પાઈપલાઈન નાખવા માટે કડી તાલુકાના 17 ગામના 161 ખેડૂતોને નોટિસ પાઠવી હતી. જે મામલે મંગળવારે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકાના 161 ખેડૂતોની બેઠક મળી હતી.જેમાં તમામ ખેડૂતોએ લાઈન નાખવા સામે વિરોધ નોંધાવી જે તે ગામના ખેડૂતોને સાથે રાખી લાઈન નાખવા ફરીથી રી સર્વે કરવા રજૂઆત કરી હતી અને પ્રાંતમાં હલ્લાબોલ મચાવ્યો હતો.

કડી તાલુકાના લક્ષ્મીપુરા,અલદેસણ,સરસાવ, નંદાસણ, ઘુમાસણ, ડાંગરવા, મહારાજપુરા સહિતના 17 ગામોમાંથી કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ કંપનીએ ખેડૂતોને જાણ કર્યા વિના તેમની માલિકીની જમીનમાથી એલ.પી.જી ગેસની પાઈપલાઈન નાખવા મામલે જમીન સંપાદન કર્યાની ખેડૂતોને ગત જુલાઈમાં નોટિસ ફટકારતાં ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.તાલુકાના 161 ખેડૂતોએ લાઈન નાખવા મામલે વિરોધ નોંધાવી કડી પ્રાંત અધિકારીની કચેરીમા વાંધા અરજીઓ આપી હતી.

જે મામલે મંગળવારે કડી પ્રાંત અધિકારી કેતકી વ્યાસના અધ્યક્ષ સ્થાને આઈ.એચ.બી.લી.કંપનીના ગુજરાત હેડ ચંદ્રશેખર સહિતના અધિકારીઓની હાજરીમાં વાંધા આપનાર તાલુકાના 161 ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં કડીના ખેડૂતોએ આઈ.એચ.બી.લી.કંપનીએ ખેડૂતોને અંધારામા રાખી લાઈન નાખવા મામલે સર્વે કરાયો છે. સર્વે અંગે ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી અપાઈ ન હતી.ડીઆઈએલઆર મામલે જમીનોના માલિકી કબ્જા અને ક્ષેત્રફળમાં ફેરફારોની મોટી સમસ્યા ઉભી છે તેવામાં વળતર કોને આપવું સહિતની સમસ્યા ગંભીર બની છે.

મોટા ભાગના ખેડૂતોએ લાઈન સરકારી જમીન રોડ,રસ્તા,હાઈવે, નર્મદા કેનાલ, રેલ્વે પેરેલલ નાખવી જેથી ખેડૂતોની જમીન સંપાદન કરવી પડે નહી અને સરકારને વળતર પણ ન ચૂવવવુ પડે. અલદેસણ,સેદરાણા સહિતના ગામોના ખેડૂતોએ લાઈન નાખવા મામલે જે તે ગામના ખેડૂતોને સાથે રાખીને ફરીથી રી સર્વે કરી વધુમાં વધુ સરકારી જમીનમાંથી લાઈન નાખવા પ્રયાસો કરવા મામલે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

જે અંગે કડી પ્રાંત અધિકારીએ ખેડૂતોના વાંધા સૂચનો સાંભળી ખેડૂતોની માંગણી લાગણીને ધ્યાને રાખી સુખદ નિરાકરણ લાવવા આઈ.એચ.બી.લી કંપનીના અધિકારીઓને સૂચના આપી હતી. ગુજરાત હેડ ચંદ્રશેખરે ખેડૂતોને રજૂઆતોને ધ્યાને ઘટતું કરવા ખાતરી આપી હતી.

કડી તાલુકાના 17 ગામોમાંથી લાઈન પસાર થશે
લક્ષ્મીપુરા(આદું),અલદેસણ, ખેરપુર,આદુંદરા,સરસાવ,નંદાસણ,કોરડા, સેદરાણા, ઘુમાસણ,ડાંગરવા,મહારાજપુરા,થડોદ,બલાસર, યશવંતપુરા,ચંદ્રાસણ,ઝુલાસણ,લક્ષ્મીપુરા(નંદાસણ)ના ખેડૂતોની જમીનમાંથી લાઈન પસાર થાય છે.સૌથી વધુ થડોદના 36 ખેડૂતોની જમીનમાંથી લાઈન પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...