કડી તાલુકા અને શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. ત્યારે હવે તસ્કરોએ વીજ તાર પણ છોડ્યા નથી. કડી તાલુકાના વાધરોડા ગામે ખેતીવાડી વાધરોડાથી વેકરા તરફ જતી 11 કેવી ખેતીવાડી ફિડરની ત્રણ તારની ચાલુ વીજ લાઈન ગામના બોરને આપેલી હતી. જીઇબી દ્વારા જે ચાલુ વીજ થાંભલા પર લગાવેલ રૂ. 1,73,922ના એલ્યુમિનિયમના વીજ તાર તસ્કરો કટર વડે કાપી લઈ જતા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
કડી તાલુકાના વાધરોડાથી વેકરા તરફ જતી વીજ તાર અજાણ્યા ઈસમો ચોરી કરી જતા ફફડાટ મચી જવા પામ્યો હતો. ત્યારે યુજીવીસીએલ કડી સબ ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા ઘનશ્યામભાઈ પટેલ કે જે પોતે કડી હાજર હતા. તે દરમિયાન તેઓને વાધરોડા ગામના વતની ઠાકોર નવઘણજીએ ફોન કરીને જણાવ્યું હતું કે, ખાવડથી વાધરોડા તરફ પાકા રોડની બાજુમાં 11 કે વી ખેતીવાડી ફીડરની ચાલુ વિજ લાઈન કે જે અજીતસિંહ રાણાના બોર તરફ જાય છે. તે લાઈનના થાંભલા ઉપર એલ્યુમિનિયમના વિજ તાર કોઈ કાપી ફરાર થઈ ગયું છે. જેના આધારે યુ જી વી સી એલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કડી તાલુકાના ખાવડથી વાઘરોડા ગામ તરફ જતા પાકા રોડની બાજુમાં આવેલ 11 કેવી વેકરા ખેતીવાડી ફીડરની ત્રણ તારની ચાલુ વીજ લાઈનના વિજ તારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતુ. આશરે 1 kmથી પણ વધારે લંબાઈના વિજ તાર અજાણ્યા ઇસમો કટર વડે કાપી ફરાર થઈ ગયા હતા. જ્યાં તેઓ તપાસ કરતા 55 એમ.એમ સ્ક્વેરના રેબિટ પ્રકારના એલ્યુમિનિયમ વીજ તાર જેની કિંમત રૂ. 1,73,922ની ચોરી થઈ હોવાનું માલુમ થતાં અધિકારીઓ કડી તાલુકાના બાવલુ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.