કેનાલમાં 10 ફૂટનું ગાબડું:કડી તાલુકાની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોને ભારે નુકશાન, અધિકારીઓ ડોકાવા પણ ના આવ્યા

કડી24 દિવસ પહેલા

કડી તાલુકાના કરસનપુરા સીમમાં નર્મદા કેનાલની માઈનોર કેનાલમાં 10 ફૂટ મોટું ગાબડું પડતા 10થી વધુ ખેડૂતોના 50 વિઘા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધા વાવેલા ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આ અંગે નર્મદા વિભાગને જાણ કરી છતાંય અધિકારીઓ ફરક્યા પણ ન હોવાનો આક્ષેપ થયો છે.

ખેતરમાં વાવેલ જીરું, અજમો, ઘઉં તેમજ પશુપાલકનો ઘાસચારો પલડી ગયો
કડી તાલુકાના કરણનગર વાય જંકશનમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાંથી અગોલ તરફ જતી માઈનોર કેનાલ કરસનપુરા ગામ થઈને જાય છે. જે દરમિયાન મધરાત્રીએ અચાનક જ માઈનોર કેનાલમાં 10 ફૂટથી પણ મોટું ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા કરસનપુરા ગામના 10થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતરમાં વાવેલ જીરું, અજમો, ઘઉં તેમજ પશુપાલકનો ઘાસચારો પલડી ગયો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લેવા પણ આવ્યા ન હતા. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વિભાગને જાણ કરી છતાંય અધિકારીઓ ફરક્યા પણ નહીં
કરસનપુરા ગામના ગિરધર પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મધરાત્રીએ કેનાલમાં ગાબડું પડતા અમોને અમારા ખેતરમાં રહેલ મજૂરોએ જાણ કરી હતી. જ્યાં અમે બધા અમારા ખેતરમાં પહોંચ્યા હતા અને નર્મદા વિભાગના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી હતી, પરંતુ કોઈ અધિકારીઓ હજુ સુધી આવ્યા નથી. બીજા એક ખેડૂત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા ગામની અંદર કેનાલમાં ગાબડું પડ્યું છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ અધિકારીઓ 10 થી 15 કલાક થઈ ગયા પણ કોઈ હજુ સુધી આવ્યું નથી. કડી તાલુકાના કરસનપુરા ગામે રહેતા ગિરધરભાઈ, કાશીરામભાઈ, બળદેવભાઈ, રણછોડભાઈ અને બળદેવભાઈ જેવા અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતરમાં વાવેલ ઊભો પાક પડી ગયો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાનીનો વારો વેઠવો પડ્યો હતો.

ખેડૂતોમાં ભારે રોષ
કડી તાલુકાના કરસનપુરા ગામે માઈનોર કેનાલમાં 10 ફૂટથી પણ વધારે મોટું ગામડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જે બાબતે નર્મદા વિભાગના અધિકારી જે.વી પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છ વાગ્યાના નર્મદા કેનાલ ઉપર રાઉન્ડમાં જ છે અને મજૂરો મોકલી દીધા છે. રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે તેવું જણાવ્યું હતું, પરંતુ અધિકારીઓએ ખાલી મજૂરો જ મોકલી દીધા હતા પરંતુ અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...