મેઘમહેર:કડી તાલુકામાં 42 ઇંચ વરસાદ પડ્યો છતાં આ વર્ષે થોળ તળાવ અડધું જ 7.85 ફૂટ ભરાયું, ટોચની સપાટી 14 ફૂટ છે

કડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના વિશાળ થોળ પક્ષી અભયારણ્ય તળાવના સ્ત્રાવ ક્ષેત્રમાં આ વર્ષે 42 ઇંચથી પણ વધુ (1051 મીમી) વરસાદ થયો હોવા છતાં હજુ અડધું જ એટલે કે 7.85 ફૂટ ભરાયું છે. તળાવની ટોચની સપાટી 14 ફૂટ છે. થોળ ગામની બાજુમાં 1912માં તત્કાલીન ગાયકવાડ સરકારે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તળાવ નિર્માણનો હેતુ સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવા માટે હતો. હાલ તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે. 1988માં આ થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરાયો હતો. આ પક્ષી અભયારણ્ય એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે ધાર પરની મશકો દ્વારા ઘેરાયેલા છે અને બાજુઓમાં ઝાડીવાળું જંગલ છે. તળાવનો બેઝિન વિસ્તાર 700 હેક્ટર છે. તળાવમાં 8.82 એમસીએમ પાણીની સંગ્રહશકિત છે. માટીપાળાની લંબાઇ 5620 મીટર અને આલેખિત સિંચાઇ શક્તિ 720 હેક્ટર છે. થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિનાં 57000 પક્ષીઓ હોવાનો અંદાજ છે. 2018 કરતાં 142% પક્ષીઓ છે.

હજારોની સંખ્યામાં ફ્લેમિંગો, પેલિકન આવે ,પાણીનું સ્તર ઘટતાં વધારે પ્રજાતિના પક્ષી આવે છે
2018માં 92 અને આ વર્ષે 87 પ્રજાતિનાં પક્ષી જોવા મળ્યાં છે. પાણીનું સ્તર ઘટતાં વધારે પ્રજાતિનાં પક્ષીઓ અહીં જોવા મળશે. આ વખતે પક્ષીઓ વધારે સંખ્યામાં છે. સામાન્યત: એપ્રિલ-મે માસમાં વધુ પ્રજાતિઓનાં પક્ષીઓ જોવા મળે છે. પાણીની સપાટી ઘટતાં હજુ ફ્લેમિંગો અને પેલિકન વધારે જોવા મળે છે, જે હજારોની સંખ્યામાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...