તસ્કરો બેફામ:કડીના કુંડાળ ગામમાં મકાનનું તાળુ તોડીને તસ્કરો એક લાખથી વધુની મત્તા ચોરી ગયા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધે રેસિડેન્સીમાં ચોરી પરિવાર ઘરના ઉપરના માળે સૂતો હતો ને હાથફેરો
  • તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ઉઠાવી ગયા, કડી પોલીસમાં ફરિયાદ

કડીના કુંડાળ સ્થિત રાધે રેસીડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા, ત્યારે તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી અંદર ઘૂસી લાકડાના કબાટ અને તિજોરી માંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિતની અંદાજે એક લાખ ઉપરાંતની મત્તા ચોરી જતાં કડી પોલીસને જાણ કરતાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.કુંડાળ ગામની સીમમાં 20 દિવસમાં તસ્કરોએ બીજી ચોરીને અંજામ આપ્યો છે. રવિવારે રાત્રે રાધે રેસીડેન્સી સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ત્રિવેદી તેમના પરિવાર સાથે મકાનમાં ઉપરના માળે સૂતા હતા.

તે દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે રુ. એક લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા. સોમવારે વહેલી સવારે પરિવારજનો ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં ચોરી થયાનું માલુમ પડતાં કડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ હરકતમાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, કડી તાલુકાના નાનીકડી, દેલ્લા, કુંડાળ સહિતના ગામોમાં ડિસેમ્બર મહિનામાં 15 ઉપરાંત બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તા ચોરી હતી. તેમજ નાનીકડીમાં રહીશો પર પથ્થરમારો કર્યાની ઘટના ઘટી હતી. ચોરીના ઉપદ્રવને પગલે એસપી અચલ ત્યાગી 25 દિવસ અગાઉ કડી દોડી આવી પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક કરી પેટ્રોલિંગ વધારવા સહિતની સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...