હુમલો:કડીમાં ગાય બચાવવા જતાં કસાઇઓનો ભજનિકો પર કાર નાખી જીવ લેવા હુમલો

કડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડીના કરણનગર રોડ પર ડૉક્ટર સોસાયટી પાસે ગુરુવારે પરોઢની ઘટના
  • રિક્ષાના કાચ ઉપર તલવારના ઘા માર્યા, 48 કલાક પછી પણ ફરિયાદ ન નોંધાઇ

કડીના કરણનગર રોડ સ્થિત ડૉક્ટર સોસાયટી પાસે ગાય છોડાવનાર ભજનિકોની રિક્ષા ઉપર કસાઈઓએ તલવાર અને ધોકાથી હુમલો કરી કાચ તોડી, ગાડી ચઢાવી ચગદી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બનાવના બે દિવસ બાદ પણ કસાઈઓ વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

શહેરના રાજીવનગર વિસ્તારમાં રહેતા ઠાકોર ભાવેશજી કાકુજી સહિત પાંચ ભજનિકો રામદેવ પીરનો પાઠ કરી ગુરુવારે વહેલી સવારે ત્રણેક વાગે રિક્ષામાં ઘરે જતા હતા, ત્યારે કરણનગર રોડ સ્થિત ડૉક્ટર સોસાયટી પાસે બે-ત્રણ શખ્સો ગાયને હાંકી કાર તરફ લઈ જતા હોઇ તેમણે પૂછપરછ કરી હતી. આથી ઉશ્કેરાયેલા કસાઈઓએ કારમાંથી તલવાર અને ધોકા લઈ ભજનિકો પર હિંસક હુમલો કર્યો હતો. તેઓ જીવ બચાવવા ભાગ્યા તો તેમની ઉપર એક-બે વખત કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતાં તેમણે બુમાબુમ કરતાં કસાઈઓ નાસી ગયા હતા.

જે બનાવ અંગે ભજનિક ભાવેશ ઠાકોરે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ રાતના ત્રણ વાગે તમે કેમ ફરો છો વગેરે સવાલો કરી ભજનિકોને ધમકાવી સવારે પોલીસ સ્ટેશન આવજો તેમ કહી તગેડી મૂક્યા હતા અને પીઆઈને લેખિત અરજી આપી હોવા છતાં હજુ ફરિયાદ નોંધાઇ નથી તેમ ભાવેશ ઠાકોરે જણાવ્યું હતું.

હુમલા અંગેની અરજીની તપાસ ચાલુ છે : પીઆઇ
કડી પીઆઈ ડી.બી. ગોસ્વામીને પૂછતાં તેમણે હુમલાની અરજી આવેલી છે, જેના આધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...