તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વેકરામાં પોલીસ બાતમીદારના પરિવાર પર બુટલેગરનો પથ્થરમારો, પિતા-દાદાને ઇજા

કડી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અંગે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં બુટલેગર અને સમર્થકો લાકડીઓ લઇ તૂટી પડ્યા : બુટલેગર સામે ગુનો

કડી તાલુકાના વેકરા ગામના બસ સ્ટેન્ડે ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા ચેતન ઠાકોર નામના બુટલેગરના દારૂ ભરેલા એક્ટીવા અંગે શુક્રવારે રાત્રે પોલીસને બાતમી આપનાર ગામના યુવકના પરિવાર ઉપર બુટલેગર અને તેના સમર્થકોએ લાકડીઓ અને પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં બાતમીદારના પિતા અને દાદાને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બાવલુ પોલીસે દારૂ અને મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડી તાલુકાના વેકરા ગામનો ચેતન ઠાકોર વર્ષોથી દારૂનો ખુલ્લેઆમ વેપાર કરે છે. જેનાથી આસપાસના દુકાનદારો અને ગામલોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. શુક્રવારે રાતે ચેતન ઠાકોર તેના નંબર પ્લેટ વિનાના એક્ટીવામાં દારૂની બોટલો ભરીને ગામ વચ્ચે રોડ પર વેપાર કરી અન્ય દુકાનદારો સાથે ઝઘડી રહ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજ ગામ સમિતિ વેકરાના પ્રમુખ સંજય ઠાકોરે દારૂ ભરેલા એક્ટીવા અંગે પોલીસ કંટ્રોલરૂમ 100 નંબર ઉપર જાણ કરી હતી.

જેને પગલે હરકતમાં આવેલી બાવલુ પોલીસ ગામે દોડી આવી હતી. આ અરસામાં બુટલેગર ચેતન તલાજી ઠાકોર સહિતના સમર્થકોએ સંજય ઠાકોરના પરિવાર ઉપર લાકડીઓ અને પથ્થરમારો કરતાં તંગદિલી પ્રસરી ગઈ હતી. હુમલામાં સંજય ઠાકોરના પિતા મંગાજી ચંદુજી ઠાકોર અને દાદા ચંદુજી લવજીજી ઠાકોરને ગંભીર ઇજા પહોંચતાં કડી અને ત્યાંથી મહેસાણા રીફર કરાયા હતા. બાવલુ પોલીસે રૂ.1200ની વિદેશી દારૂની 5 બોટલો તથા રૂ.20 હજારનું એક્ટીવા મળી કુલ રૂ.21,200નો મુદ્દામાલ ઝડપી બુટલેગર ચેતન તલાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ ભરેલા એક્ટીવા અંગે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં બુટલેગર અને સમર્થકો લાકડીઓ લઇ તૂટી પડ્યા હતા.
દારૂ ભરેલા એક્ટીવા અંગે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં બુટલેગર અને સમર્થકો લાકડીઓ લઇ તૂટી પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...