કડીમાં બેસતા વર્ષના દિવસે યુવકે કરી આત્મહત્યા:અલદેસન ગામની નર્મદા કેનાલમાં 2 દિવસની શોધખોળ બાદ લાશ મળી આવી, યુવકના  4 મહિના અગાઉ લગ્ન થયાં હતાં

કડીએક મહિનો પહેલા

કડી તાલુકા તેમજ તાલુકાની અંદર દિપોત્સવનો તહેવાર ધામધૂમ પૂર્વક લોકોએ ઉજવણી કરી હતી. ત્યારે કડી તાલુકાના અલદેસણ ગામમાં રહેતા એક યુવાને નર્મદા કેનાલમાં પડીને બેસતા વર્ષના દિવસે આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

કડી તાલુકાના અલદેસણ ગામમાં રહેતા અંબારામભાઈ ઠાકોર કે જેઓ ને બે પુત્ર છે. તેમનો એક પુત્ર કડી તાલુકાના સરસાવ ગામે આવેલ એક કંપનીમાં નોકરી કરે છે. તેમજ અંબારામભાઈ અને તેમનો નાનો પુત્ર વિશાલ ઠાકોર સેન્ટિંગનું કામ કરી પોતાનું ગુજરાન તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન બેસતા વર્ષના દિવસે બપોરે અંબારામભાઈ ઠાકોર પરિવાર સાથે ઘરે જ હતા. તેમજ તેમનો નાનો પુત્ર વિશાલ ઠાકોર પણ ઘરે જ હતો.

કેનાલ પરથી યુવાનનું બાઈક તેમજ બુટ મળી આવ્યા
અલદેસણ ગામે રહેતા અંબારામભાઈ ઠાકોરનો 23 વર્ષીય નાનો પુત્ર વિશાલ કડી તાલુકાના આદુંદરા ગામની નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યારે વિશાલ ઠાકોરના લગ્ન હજુ તો ચાર મહિના પૂર્વે જ થયાં હતાં. વિશાલ ઠાકોરના પિતા અંબારામભાઈ ઠાકોર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બેસતા વર્ષના દિવસે બપોરે અમે ઘરના લોકો ઘરે જ હતા, જે દરમિયાન મારા પુત્ર વિશાલના મોબાઈલ ફોન પર એક કોલ આવેલો અને કોલ મૂકીને તરત જ વિશાલ તેનું બાઈક લઈને હું આવું છું તેમ કહીને નીકળી ગયો હતો. જે દરમિયાન બેસતા વર્ષના દિવસે સાંજના સમયે અમને જાણ થઈ કે કડીના આદુંદરા નર્મદા કેનાલમાં વિશાલે આત્મહત્યા કરી છે.

ત્યારે અમે લોકો તથા સગા સંબંધીઓ અને ગ્રામજનો આદુંદરા નર્મદા કેનાલ ખાતે પહોંચી ગયાં હતાં અને સ્થાનિક તરવૈયાઓને ફોન કરીને બોલાવીને મારા પુત્ર વિશાલ ઠાકોરની શોધખોળ નર્મદા કેનાલમાં કરી હતી. પરંતુ રાત સુધી મારા પુત્રની લાશ મળી આવી ન હતી.

કડી તાલુકાના આદુંદરા નર્મદા કેનાલમાં અલદેસણ ગામના એક યુવાને પડીને આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યારે બેસતા વર્ષના દિવસે યુવાને આત્મહત્યા કરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ લાશ મળી ના આવતા બીજા દિવસે ભાઈબીજના દિવસે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ તરવૈયાઓ દ્વારા લાશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાંજના સમયે આદુંદરા નર્મદા કેનાલમાંથી વિશાલ ઠાકોરની લાશ દેખાતા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર નિકાળવામાં આવી હતી અને કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે વિશાલ ઠાકોરે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કેમ કરી તે તો હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...