કડીમાં નીતિન પટેલે કહ્યું:હું કડી અને મહેસાણાનો આજીવન રૂણી છું; આ જનતાએ​​​​​​​ સમર્થન આપી મને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો

કડી3 મહિનો પહેલા

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણસિગુ ફૂંકાઈ ગયું છે. ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે કડીમાં ભાજપ દ્વારા રિપીટ કરાયેલા કરસન સોલંકીએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

સોલંકી નગરાસણ ગામના વતની
આજે બુધવારે કરશન સોલંકીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કડીના કમળ સર્કલ ખાતે મધ્યસ્થ કાર્યાલયથી રેલી સ્વરૂપે કરણનગર રોડ ઉપર આવેલા સેવાસદન પ્રાંત કચેરી ખાતે કાર્યકર્તાઓ તેમજ આગેવાનો સાથે કરસન સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. કડી ભાજપના ઉમેદવાર કરસન સોલંકી નગરાસણ ગામના વતની છે અને કરણ નગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતાં.

ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત
કરસન સોલંકીએ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે-સાથે મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, APMC ચેરમેન રાજુ પટેલ, મહેસાણા સાંસદ શારદા પટેલ, કડી ભાજપ શહેર પ્રમુખ જશુ પટેલ, તાલુકા પ્રમુખ અશ્વિન પટેલ પાલિકા પ્રમુખ ભરત પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કડી અને મહેસાણાનો હું આજીવન રૂણી છું: નીતિન પટેલ
આ પ્રસંગે ઉપસ્થિત નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કડી મારું વતન છે, મારી રાજકીય કારકીર્તિ 1977માં કડી નગરપાલિકાનો હું સભ્ય બન્યો ત્યારથી ચાલુ થઈ છે. કલોલના કેટલાક ગામડા કડી વિધાનસભા બેઠકમાં આવતા હતા જે ભાજપ માટે જીતવા બહુ જ અઘરા હતા. તે સમયમાં પણ કડીની જનતાએ મને જીતાડી અને 4 વખત ધારાસભ્ય બનાવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, મહેસાણાની જનતાએ મને સતત 2 ટર્મ સુધી ધારાસભ્ય બનાવી અને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો છે. બધી જ રીતે મને સમર્થન આપ્યું છે, કડી અને મહેસાણાનો હું આજીવન રૂણી છું.

1990થી ભાજપની જીત થતી આવી છે: નીતિન પટેલ
આ સાથે કડી વિધાનસભા બેઠકના ઉમેદવાર વિશે જણાવ્યું હતું કે, કરસન સોલંકી ગયા પાંચ વર્ષથી કડીના ધારાસભ્ય છે. તેઓ કડીમાં પ્રજા સેવક અને લોકપ્રિય ભાજપના કાર્યકર્તા તરીકે પ્રજામાં ખૂબ જ લોકચાહના ધરાવે છે. કડી તાલુકો જે બક્ષીપંચ તાલુકો છે, મોટાભાગે બક્ષીપંચ સમાજના લોકો વસે છે, છતાં 1990થી વિધાનસભામાં ભાજપની જીત થતી આવી છે. મને વિશ્વાસ છે કે આ વખતે પણ કડીની જનતા કરસન સોલંકીને જંગી બહુમતીથી વિજય બનાવશે.

અન્ય સમાચારો પણ છે...