કડી યાર્ડમાં બારદાનમાં ભરીને માલ વેચવા આવે છે ત્યારે યાર્ડના કમિશન એજન્ટો બારદાનના વજન પેટે 1.200 કિગ્રા માલના વજનમા કાપ કરે છે. જ્યારે કિસાન સંઘની બારદાનના જેટલું વજન કાપવાની માંગણીને પગલે કડીના ખેડૂત અગ્રણીએ વડાપ્રધાનને લેખિત રજૂઆત કરતાં રજીસ્ટ્રાર સહિતનુ તંત્ર દોડતુ થયુ છે.કડી યાર્ડે 40 ઉપરાંત કમિશન એજન્ટોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા નારાજ કમિશન એજન્ટોએ મંગળવારે હરાજી સ્થગિત કરતા સમજાવટ બાદ માલની હરાજી શરૂ કરાઈ હતી.સાંજે યાર્ડ કમિટી અને કિસાન સંઘની સાથે કમિશન એજન્ટોએ બેઠક યોજી શનિવાર સુધીમાં નિર્ણય કરાશે તેવું નક્કી કરાયુ હતુ.
સાદરાના ખેડૂત અગ્રણી બબલદાસ પટેલે વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત કરી કડીના કમિશન એજન્ટો બારદાન સામે બારદાનનું વજન કાપે તેવી માંગણી કરી હતી.વડાપ્રધાન કાર્યાલય સમક્ષ થયેલી રજૂઆતને પગલે જિલ્લા રજીસ્ટ્રાર સહિત યાર્ડના કર્મીઓ અને કમિટીના સભ્યો હરકતમાં આવ્યા છે. કડી માર્કેટ કમિટીએ યાર્ડના 40 ઉપરાંત કમિશન એજન્ટોને નોટિસ ફટકારી રાજ્ય સરકારના વર્ષ 2015 ના પરિપત્ર અનુસાર બારદાન સામે બારદાનનું વજન કાપવા જણાવ્યુ હતુ.મંગળવારે સવારે રાબેતા મુજબ યાર્ડમા કમિશન એજન્ટોએ હરાજી શરૂ કરી હતી.
કડી તાલુકા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો બારદાનના વજન મામલે વિરોધ નોંધાવતા યાર્ડના કમિશન એજન્ટો એકજૂથ થઈ માલની હરાજી મોકૂફ કરતાં યાર્ડના કર્મીઓ અને કમીટી સભ્યોએ કિસાન સંઘ સાથે સાંજે બેઠક યોજી યોગ્ય નિર્ણય કરવા જણાવતા કમિશન એજન્ટોએ ફરીથી હરાજી શરૂ કરી હતી.
મંગળવારે સાંજે યાર્ડના ચેરમેન,સેક્રેટરી તેમજ કિસાન સંઘના હોદ્દેદારો અને કમિશન એજન્ટોની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી બે દિવસમા કડી આસપાસના તાલિકા મથકે આવેલ યાર્ડોમા રૂબરૂ જઈ સર્વે કર્યા બાદ શનિવાર સુધીમાં યોગ્ય નિર્ણય કરવાનુ નક્કી કરાયું હતું. યાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈએ ખેડૂતોના હિતમાં કમિશન એજન્ટોને નકુસાન જાય તે રીતે સર્વ સ્વિકૃત નિર્ણય કરાશેનુ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.