બાંહેધરી:દાઝેલા કામદારનું મોત થતાં પરિવાર લાશ લઇ કડી ગુજરાત અંબુજા કંપનીમાં પહોંચ્યો

કડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ લેખિતમાં વળતર આપવાની બાંહેધરી આપતાં લાશ સ્વીકારી

કડીની ગુજરાત અંબુજા કંપનીમાં 15 દિવસ અગાઉ સોલર પ્લાન્ટમાં વેલ્ડિંગ કામ દરમિયાન બે કામદારો આગથી દાઝતાં કડી બાદ અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 15 દિવસની સારવાર બાદ પરપ્રાંતિય કામદાર ગોપાલ રાણાનું મોત થયું હતું. આથી પરિવારજનો લાશ સાથે કડી સ્થિત કંપનીમાં આવી પહોંચતાં સંચાલકો અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને કામદાર યુનિયનની દરમિયાનગીરી બાદ વળતર ચૂકવવા લેખિત બાંહેધરી આપતાં પરિવારે લાશ ઉઠાવી હતી.

કડીના થોળ રોડ સ્થિત ગુજરાત અંબુજા એક્ષપોર્ટ લી.કંપનીમાં 15 દિવસ અગાઉ સોલર પ્લાન્ટમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં ગોપાલ રાણા અને સંજય પરમાર નામના બે કામદારો ગંભીર રીતે દાઝતાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં શુક્રવારે સારવાર દરમિયાન ગોપાલ રાણાનું મોત થયું હતું. આથી રોષે ભરાયેલા પરિવારજનો તેની લાશ લઈ કડી ગુજરાત અંબુજા કંપનીમાં આવી પહોંચતાં દોડધામ મચી ગઇ હતી. પરિવારે વળતર વિના લાશ નહીં ઉઠાવવા અલ્ટીમેટમ આપતાં કંપનીના સંચાલકો દોડતા થયા હતા.

સ્થાનિક પોલીસ અને કામદાર યુનિયનના સભ્યોની દરમિયાનગીરી બાદ માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. કંપનીએ લેખિતમાં વળતર આપવાની ખાત્રી આપ્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે વેલ્ડિંગ દરમિયાન કામદારનું મોત થતાં વળતર આપવાની માંગ સાથે પરિવારજનો લાશ લઈને કંપનીમાં આવતાં કંપનીના જવાબદાર માણસો અને પોલીસ દોડતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...