કૌભાંડ:કડીમાં હાર્ડવેરની દુકાનમાં નેરોલેક કંપનીના નામે ડુપ્લીકેટ કલર વેચવાનું કૌભાંડ ઝડપાયું

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીચોકમાં મે.પ્રહલાદ છનાલાલની કાું.માં કંપનીની ટીમે ગ્રાહક બની રેડ કરી
  • 1.50 લાખના ડુપ્લીકેટ કલરનાં 38 ડ્રમ જપ્ત કરી વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

કડી શહેરના ગાંધીચોકમાં આવેલી 40 વર્ષ જૂની હાર્ડવેરની પેઢી મે.પ્રહલાદ છનાલાલની દુકાનમાંથી નેરોલેક કંપનીના લીગલ સેલે શનિવારે ગ્રાહક બની રેડ પાડી હતી અને રૂ.1.50 લાખની કિંમતના નેરોલેક કંપનીના નામે વેચતા ડુપ્લીકેટ કલરના 38 ડ્રમ જપ્ત કરી વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મે.પ્રહલાદ છનાલાલની હાર્ડવેરની પેઢીના સંચાલકો નેરોલેક કંપનીના નામે ડુપ્લીકેટ કલર કંપનીના પડતર ભાવથી પણ નીચા ભાવે બજારમાં વેચતા હતા. જે અંગેની રજૂઆત કોઇ ગ્રાહક દ્વારા કરાતાં નેરોલેક કંપનીના લીગલ સેલ આર.કે. એસોસીએટના હેડ રચના કપૂર અને અમીતભાઈ છેલ્લા ત્રણ દિવસથી કડીમાં વિવિધ હાર્ડવેરની દુકાનોમાં સર્ચ કામગીરી કરી રહ્યા હતા. શહેરના ગાંધીચોક પોલીસ ચોકી પાસે આવેલ મે.પ્રહલાદ છનાલાલની કંપનીમાં નેરોલેક કંપનીનો કલર લેવા ગ્રાહક બની ગયા હતા.

તેમણે 20 લિટરના વિવિધ જાતના કલર નેરોલેક કંપનીના પડતર ભાવથી નીચા ભાવમાં ઓર્ડર આપ્યો હતો. શનિવારે નેરોલેક કંપનીના જ લીગલ સેલના ડમી ગ્રાહક બનીને આવેલા અધિકારીઓને ડુપ્લીકેટ માલની ડિલિવરી આપતાં મે.પ્રહલાદ છનાલાલની કંપનીના સંચાલક વેપારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. નેરોલેક કંપનીના નામે ડુપ્લીકેટ કલરના 20 લિટરના 38 ડ્રમ અંદાજે રૂ.1.50 લાખના કબજે કરી તમામ મુદ્દામાલ સાથે કડી પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. આર.કે. એસોસીએટ લીગલ સેલના હેડ રચના કપૂરે વેપારી નવિનભાઈ નાયક વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...