રસ્તે રખડતા ઢોરનો ત્રાસ યથાવત!:કડીમાં ગણપતિના દર્શન કરી ઘરે જતી મહિલાને ગાયે અડફેટે લીધી; ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

કડી22 દિવસ પહેલા

કડી શહેરની અંદર રોડ રસ્તા પર રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ પર રખડતી ગાયોએ અનેક લોકોને અડફેટે લઇને ઇજા પણ પહોંચાડી છે. દેત્રોજ રોડ પર આવેલ વાત્સલ્ય સિટીમાં રહેતા મંજુલાબેન પટેલ ગણપતિ બાપાના દર્શન કરી એક્ટિવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દેત્રોજ રોડ પર આવેલ જોગણી માતાજીના મંદિર પાસે અચાનક જ ગાય દોડતી આવીને મંજુલાબેનને અડફેટે લીધા હતા અને એક્ટિવા સાથે તેઓ રોડ પર પછડાયા હતા.

ગણપતિના દર્શન કરી ઘરે જતી હતી મહિલા
મંજુલાબેન પટેલ પોતાનું એક્ટિવા લઈને શનિવારે રાત્રે પાણીની ટાંકીએ ગણપતિ દર્શન કરવા માટે આવ્યાં હતાં અને દર્શન કરીને પોતાનું એક્ટિવા લઈને ઘરે પરત જઈ રહ્યાં હતાં તે દરમિયાન લક્ષ્મીનારાયણ કૉમ્પ્લેક્સની સામે જોગણી માતાજીના મંદિર પાસે અચાનક જ ગાય દોડતી આવીને એક્ટિવા લઈને જઈ રહેલા મંજુલાબેનને અડફેટે લેતાં મંજુલાબેન ઍક્ટિવા સાથે રોડ ઉપર પછડાયા હતા. આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં મહિલાએ પોતાના પરિવારને જાણ કરતા પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મહિલાને ઢીંચણના ભાગે ઈજા પહોંચતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

કડીમાં ગાયે અડફેટે લેવાના અનેક બનાવો બન્યા
કડી શહેરની અંદર અનેકોવાર ગાયે રાહદારીઓને અડફેટે લઈને ઇજાઓ પહોંચાડી છે. થોડાક દિવસો અગાઉ વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યો હતો તે દરમિયાન ગાયે શીંગડે ભરાવીને રોડ ઉપર વિદ્યાર્થીને પછાડ્યો હતો. તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. થોડાક દિવસો અગાઉ કડીની સર્વવિદ્યાલય હાઈસ્કૂલના બાઈકસવાર યુવાનને ગાયે અડફેટે લઈને ઈજાઓ પહોંચાડી હતી. કડી શહેરમાં રસ્તા પર રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ થઈ ગયાં છે. હાલ કડી શહેરના નાગરિકોને રસ્તા પરથી નિકળવું મુશ્કેલ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...