છતનું પ્લાસ્ટર માથે પડતાં મોત:કડી શહેરમાં વાલ્મીકિ વાસમાં છત પડતાં 24 વર્ષીય યુવાનનું મોત, પરીવારમાં ગમગીની છવાઈ

કડી18 દિવસ પહેલા
  • સૂઈ રહેલ યુવાન પર છતનું પ્લાસ્ટર પડતાં મોત

કડી શહેરમાં શાકમાર્કેટ પાસે આવેલ વાલ્મીકિ વાસમાં મંગળવારના રોજ કરુણ ઘટના ઘટી હતી. ઘરના ઉપરના માળે સૂઈ રહેલ 24 વર્ષીય આશાસ્પદ યુવાન ઉપર છતનું પ્લાસ્ટર તુટી પડતાં યુવક મોતને ભેટ્યો હતો. છતના કાટમાળમાં દબાઈ જવાથી યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

કાટમાળ નીચે યુવાન દટાઈ જતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો
કડી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા મન મૂકીનેને વરસી રહ્યાં છે. ત્યારે કડી શહેરમાં ભારે વરસાદના પગલે કરુણ ઘટના સામે આવી છે. કડી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના શાકમાર્કેટ પાસે આવેલ વાલ્મીકિ વાસમાં છતનું પ્લાસ્ટર તુટી પડતા સૂઈ રહેલ યુવાન કાટમાળમાં દબાઈ જવાથી મોતને ભેટ્યો હતો. વાલ્મીકિ વાસમાં યુવાન પરીવાર સાથે ઘરના ઉપરના માળે સૂતો હતો. બાળકોને શાળાએ જવાનું હોય વહેલી સવારે બાળકો ઊઠીને નીચે ગયા હતા, ત્યારે યુવાન નરેશભાઈ પરશોત્તમભાઈ વાઘેલા (વાલ્મીકિ) ઉ.24 વર્ષ એકલા સૂઈ રહ્યાં હતા. ત્યારે બીજા માળના ધાબાની છતનું પ્લાસ્ટર તુટી પડતાં કાટમાળ નીચે યુવાન દટાઈ જતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. પરીવારને જાણ થતાં પરીવાર યુવાનને કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા હાજર તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરીવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં ફેલાતા ચકચાર વ્યાપી ગઈ હતી. પરીવારમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં સમગ્ર પરીવાર શોકમગ્ન થઈ ગયો હતો. કડી નગરપાલિકા અને મામલતદારને ઘટનાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પિતા નગરપાલિકાના પૂર્વ કર્મચારી હોવાથી નગરપાલિકાના કર્મચારીઓએ તેમને સાંત્વના આપી હતી. મૃતક યુવાને કડી કુંડાળ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...