કડી-છત્રાલ રોડ સ્થિત રિલાયન્સ પેટ્રોલપંપ નજીક પર્સમાં રૂ.4 લાખ લઈને જતાં કોન્ટ્રાક્ટરને છરી મારી લૂંટ ચલાવી બે બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતની તપાસ એજન્સી કડી દોડી આવી હતી. ઈજાગ્રસ્ત કોન્ટ્રાકટરને કડીથી અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કડીની ખાનગી કંપનીમાં પેટા કોન્ટ્રાકટર અજુકુમાર કેશપ્રસાદ સિંઘ (45) બુધવારે બપોરે સાડા ત્રણ વાગે પર્સમાં મજૂરોને ચૂકવવા માટે બેંકમાંથી રૂ.4 લાખ ઉપાડી ઘર તરફ જતો હતો ત્યારે કડી-છત્રાલ રોડ પર રિલાયન્સ પેટ્રોલપંપથી આગળ વાત્સલ્ય વાટીકા સોસાયટીમાં જવાના માર્ગ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પલ્સર બાઈક લઈને આવેલા બે શખ્સોએ કોન્ટ્રાક્ટરને હાથે છરી મારી પૈસા ભરેલ પર્સ લૂંટી છત્રાલ તરફ ભાગી છૂટ્યા હતા.
ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટર બાઈક સવારની પાછળ બૂમો પાડતો દોડ્યો, પરંતુ લુટારુઓ હાથમાં આવ્યા ન હતા. દરમિયાન, ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટરને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો. કડી પીઆઈ ડી.બી.ગોસ્વામીએ જણાવ્યું કે, લૂંટની રકમ ચોક્કસ જાણી શકાઈ નથી.અંદાજે 3 થી 4 લાખ હતા. હાલ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરામાં બે બાઈકસવારો કેદ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.