અમદાવાદ-મહેસાણા હાઈવે પર કડી તાલુકાના ગણેશપુરા ગામે પુલ નજીક સ્કૂલના સામે મહેસાણા તરફથી આવતી ગાડી ડિવાઈડર કૂદી સામેના રોડ પર આવતી ગાડી સાથે આગળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. જે અકસ્માતમાં બંને ગાડીમાં સવાર 11 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.
સુરતના વિનોદ રમેશચંદ્ર ભાર્ગવ તેમના કાકાની ગાડી (જીજે 05 જેઈ 9154)માં સુરતથી તેમના સંબંધીઓને લઈ મહેસાણા લગ્ન પ્રસંગમાં આવતા હતા. રવિવારે રાત્રે કડીના ગણેશપુરા નજીક સ્કૂલની સામેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે મહેસાણા બાજુથી આવતી ગાડી (જીજે 02 ડીએ 5557)ના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી તેમની ગાડીના આગળના ભાગે અથડાઇ પડી હતી.
આ અકસ્માતમાં બંને ગાડીમાં સવાર 11 વ્યક્તિઓને ઈજા થતાં 108 સારવાર માટે ખસેડાયા હતા. આ બાબતે ચાલક અનવરભાઇ બાબુખાન પઠાણ સામે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્તો
ગણેશપુરા અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં સુરતના વિનોદભાઈ, જ્યોતિબેન, નિધીબેન, રક્ષાબેન, શંભુભાઈ, જીનલબેન તેમજ અમદાવાદના અનવરભાઈ, નાસીરભાઈ, નૂરમહંમદ, જશવંતસિંહ અને રાજપાલસિંહનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.