પોલીસ પર જીવલેણ હુમલો:મહેસાણાના મગુનામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીઓને છોડાવવા ટોળું ઘાતક હથિયારો સાથે પોલીસ પર તૂટી પડ્યું, 2ને ઇજા

જોટાણા, મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મગુનાના ત્રણ ભાગ વિસ્તારમાં પોલીસની ખાનગી ગાડી ઉપર 10થી વધુના ટોળાએ હથિયારોથી હુમલો કરી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. - Divya Bhaskar
મગુનાના ત્રણ ભાગ વિસ્તારમાં પોલીસની ખાનગી ગાડી ઉપર 10થી વધુના ટોળાએ હથિયારોથી હુમલો કરી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.
  • હુમલામાં એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સામાન્ય ઇજા
  • ડીવાયએસપી, એલસીબી સહિતની પોલીસે ગામમાં કોમ્બિંગ કરી 2 આરોપીની ધરપકડ કરી

મંગળવારે મગુના ગામે ત્રણ ભાગ વિસ્તારમાં જુગારની રેડ કરવા ગયેલી સાંથલ પોલીસના પીએસઆઇ સહિતની ટીમ પર ટોળાએ ઘાતક હથિયારો સાથે હુમલો કરતાં એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સહિત બે પોલીસ કર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલાને પગલે એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓએ કોમ્બિંગ કરી ઈસુભા દિલીપસિંહ ઝાલા અને બાપુસિંહ રાજુભા ઝાલા સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સાંથલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેસાણા તાલુકાના મગુના ગામે તળાવ વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી આધારે મંગળવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે પીએસઆઇ જે.પી. રાવ સહિત ટીમે રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી હતી.

પોલીસે કોર્ડન કરી એક આરોપીને ઝડપી પાડી સરકારી જીપમાં બેસાડી લઇ જઇ રહ્યા હતા. ત્યારે પકડાયેલા આરોપીને છોડાવવા અચાનક જ ઘાતક હથિયારો સાથેના ટોળાએ જીપમાં બેઠેલી પીએસઆઇ સહિતની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં એએસઆઇ દેસાઈ શાહરભાઈ જયરામભાઈ અને હેડ કોન્સ્ટેબલ ચૌધરી મનોજભાઈ હરિભાઈને હાથની આંગળી અને કોણીના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. આ દરમિયાન પોલીસે પકડેલો આરોપી નાસી છૂટ્યો હતો.

બીજી તરફ સાંથલ પોલીસની ટીમ ઉપર હુમલો થયાને પગલે ડીવાયએસપી આર.કે દેસાઈ, એલસીબી, એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો મગુના ગામે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા કૉમ્બિંગ કર્યું હતું. સાંથલ પોલીસે ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી 2 આરોપીને પકડી લીધા હતા.

જુગારની રેડ દરમિયાન એક આરોપીને પકડી લેતાં પોલીસની ટુકડી પર હુમલો કરાયો હતો
સાંથલ પીએસઆઇ રાવે જણાવ્યું કે, મારી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તળાવ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેડ કરતાં માણસો ભાગ્યા હતા. જેમાંથી એક આરોપીને પકડી પૂછપરછ કરીએ એટલામાં પોલીસ પર હુમલો થઈ ગયો હતો. જેમાં ગાડી પર પથ્થરમારો કરતાં અંદર બેઠેલા બે પોલીસ કર્મીઓને સામાન્ય ઇજા પહોંચી છે.

7 સહિત 15ના ટોળા સામે ગુનો
1.શક્તિસિંહ ઈશુભા ઝાલા
2.સહદેવસિંહ ઈશુભા ઝાલા
3.જસવંતસિંહ દાનભા ઝાલા
4.વિક્રમસિંહ ભારતસિંહ ઝાલા
5.રાજુભા દિલીપસિંહ ઝાલા
6.ઈસુભા દિલીપસિંહ ઝાલા
7.ચંદ્રસિંહ રાજુભા ઝાલા
તથા અન્ય 10-15 માણસોનું ટોળું

અન્ય સમાચારો પણ છે...