કિડનીદાન:બહુચરાજીના ફિંચડી ગામના યુવાને જનેતાને કિડનીદાન કરી નવા વર્ષે જીવનની ભેટ આપી

બહુચરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાને કિડની આપનાર પુત્ર કનુભા ઝાલાએ કહ્યું, મેં ઉપકાર નહીં માતૃઋણ ચૂકવ્યું

યુવાનો જ્યારે નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બહુચરાજી તાલુકાના નાનકડા ફિંચડી ગામના એક યુવાને નવા વર્ષની ઉજવણી પહેલાં પોતાની જનેતાને કિડનીદાન કરી નવા જીવનની ભેટ આપી હતી. કિડનીદાન કરનાર કનુભા ઝાલા નામના યુવાને તેના આ કર્મને પોતાની ફરજ અને માતૃઋણ ચૂકવ્યું હોવાનું જણાવ્યું હતું.

યાત્રાધામ બહુચરાજીથી 5 કિલોમીટરના અંતરે આવેલા અંતરિયાળ ફિંચડી ગામનાં પશુપાલક 55 વર્ષીય ઝાલા લાલુબા નાથુભાની ત્રણેક મહિના અગાઉ બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી અને ડાયાલિસિસ સહિતની સારવાર ચાલતી હતી. તેમનો જીવ બચાવવા કિડનીદાન જ એકમાત્ર વિકલ્પ હતો. આવા સમયે તેમના 31 વર્ષીય પુત્ર કનુભા ઝાલાએ પોતાની જનેતાનો જીવ બચાવવા કિડનીદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ માટે તેમણે જરૂરી લોહી સહિતના તમામ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં કનુભાની કિડની મેચ થઇ હતી. દરમિયાન, બંને પક્ષે સંમતી બાદ ગઈ 27મી ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. હાલ બંને માતા અને પુત્ર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મારી કિડની માતાને કામ આવી તે મારું સદભાગ્ય
કિડની દાન કરનાર કનુભા ઝાલાએ ગૌરવ સાથે કહ્યું કે, આ તો મારું સદભાગ્ય કહેવાય કે મારી કિડની મારી માતાના કામમાં આવી. મેં આ કોઈ ઉપકાર નથી કર્યો. માતૃઋણ ચૂકવવાનો મને અવસર મળ્યો, આ માટે હું મારી જાતને નસીબદાર માનું છું.

અન્ય સમાચારો પણ છે...