મુશ્કેલી:બહુચરાજીના ચડાસણાથી ધારપુરાનો 4 કિમી માર્ગ સાવ બિસમાર હાલતમાં

બહુચરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઅો બિસમાર માર્ગના કારણે મુશ્કેલીમાં
  • ડામર રોડ બનાવવા ગ્રામ ​​​​​​​પંચાયતો દ્વારા ઓએનજીસીમાં રજૂઆત

બહુચરાજી તાલુકાના ચડાસણાથી ધારપુરા ગામને જોડતો 4 કિલોમીટરનો રસ્તો સાવ તૂટી ગયો હોઇ ધારપુરાથી ચડાસણા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ ધારપુરા સિકોતર માતાજીના મંદિરે દર્શન માટે જતા લોકોને હાડમારીનો ભોગ બનવું પડે છે. છેલ્લા ધણા સમયથી આ બિસમાર્ગ રસ્તાના કારણે રાહદારી, વાહન ચાલકો, વિદ્યાર્થીઓ સાથે મંદિરે દર્શન કરવા જતાં દર્શનાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.3

આ અંગે તંત્રને જાણ કરવા છતાં નધરોળ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. પરિણામે આ માર્ગના સ્થાનીકો, વાહન ચાલકો સાથે તમામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આ રોડને પાકો બનાવવા સ્થાનિક ગ્રામ પંચાયતો તેમજ હાઇસ્કૂલ દ્વારા સરકારી તંત્ર તેમજ ઓએનજીસીમાં લેખિત રજૂઆત કરી છે.

ધારપુરા ગામે સિકોતર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જ્યારે ચડાસણામાં ધોરણ 9 થી 12ની હાઈસ્કૂલની છે. ધારપુરામાં હાઇસ્કૂલ ન હોઇ આ ગામના છાત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે ચડાસણા આવે છે. જ્યારે ચડાસણા, ઇન્દ્રપ સહિતના ગામોના શ્રદ્ધાળુઓ ધારપુરા ગામે સિકોતર માતાજીના દર્શનાર્થે આ રોડ માર્ગે અનેક વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઅો અવર જવર કરે છે.

પરંતુ આ બંને ગામને જોડતા 4 કિમીના રસ્તા ઉપર ઠેર-ઠેર ગાબડાં પડી ગયાં છે અને રોડની બંને બાજુ બાવળ ઉગી ગયા હોઇ ભારે હાલાકી રાહદારીઓને ભોગવવી પડે છે. ધારપુરાની સીમમાં ઓએનજીસીના તેલકૂવા પણ આવેલા હોઇ તેમના વાહનોની પણ અવરજવર રહે છે. આમ, આ રસ્તો લોકોપયોગી હોઇ સત્વરે પાકો બનાવવાની માંગણી સાથે ચડાસણા હાઇસ્કૂલ તેમજ ધારપુરા, ચડાસણા, ઈન્દ્રપ, દેવગઢ અને ધારપુરા (ખાંટ) ગ્રામ પંચાયત દ્વારા લેખિત ઠરાવ કરી ઓએનજીસીને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...