સૌરઊર્જા વાપરતું ગામ:સુજાણપુરા, દેશના સૌપ્રથમ સોલાર વિલેજ મોઢેરા બાદ મહેસાણા જિલ્લાનું બીજું સોલાર વિલેજ બન્યું

બહુચરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામનાં તમામ 105 ઘરોમાં સોલારપેનલ અને સોલારમીટર લગાવાયાં

દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સૂર્યમંદિર બાદ મહેસાણા જિલ્લાનું વધુ એક ગામ સુજાણપુરા સોલાર વિલેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સોલારાઇઝેશન ઓફ મોઢેરા ટેમ્પલ એન્ડ ટાઉન પ્રોજેક્ટ અંતર્ગત સુજાણપુરાનો પણ સમાવેશ કરી ગામના તમામ 105 મકાનોમાં એક કિલો વોટની રૂફટોપ સિસ્ટમ સોલાર પેનલ લગાવી દેવાઇ છે. જગવિખ્યાત સૂર્યમંદિર અને મોઢેરા ગામને સૌરઊર્જા સંચાલિત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોઢેરાને અડીને આવેલા બહુચરાજી તાલુકાના સુજાણપુરા ગામમાં રૂ.69 કરોડના ખર્ચે દેશનો સૌપ્રથમ 7 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ઊભો કરાયો છે.

જેનો લાભ ફક્ત મોઢેરા, સમલાયાપુરા અને સૂર્યમંદિરને જ મળતો હતો. "કૂવા કાંઠે તરસ્યા' સુજાણપુરા ગામનાં પૂર્વ સરપંચ કંકુબા રમેશસિંહ સોલંકી દ્વારા સુજાણપુરાને પણ સોલાર પ્રોજેક્ટમાં સમાવેશ કરવા પીએમઓ સુધી રજૂઆત કરાઇ હતી. પરિણામ રૂપે ગામનાં તમામ 105 મકાનો ઉપર રૂફટોપ સોલાર પેનલ લગાવાઇ છે.

ગામલોકોને હવે વીજબિલમાં રાહત મળશે
ગામના અગ્રણી રમેશસિંહ સોલંકીએ જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર, સચિવ દિલીપભાઈ જોશી, ઊર્જા વિભાગ ગાંધીનગર અને પીએમઓ સુધી રજૂઆત કરી હતી કે અમારા ગામમાં સોલાર પ્રોજેક્ટ ઊભો કરાયો છે તો અમને પણ લાભ મળવો જોઇએ. આ રજૂઆતને પગલે સોલાર વિલેજ યોજનામાં સમાવેશ કરાતાં ગામલોકોને હવે વીજબિલમાં રાહત મળશે, જેની ખુશી છે. ગામમાં તમામ 105 મકાનોમાં સોલાર પેનલ તેમજ વીજમીટરની સાથે સોલાર મીટર પણ લગાવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...