તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટથી ચકચાર:દુકાનમાલિકને રિવોલ્વરની અણીએ બંધક બનાવી 75 હજાર લૂંટી 3 લુટારુ ગાડી લઇ છૂ

બહુચરાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીમાં હાઇવે પર નિલકંઠ કોમ્પલેક્ષમાં મની ટ્રાન્સફરની દુકાનમાં લૂંટથી ચકચાર
  • પહેલા મની ટ્રાન્સફર કરાવી બહાર નીકળી ફરી ઘૂસી રોકડ, મોબાઇલ અને ગાડી લૂંટી લીધી

બહુચરાજીમાં વિરમગામ હાઇવે પર નિલકંઠ કોમ્પલેક્ષમાં મની ટ્રાન્સફર કરાવવા આવેલા 3 શખ્સોએ દુકાનદારને રિવોલ્વર જેવું હથિયાર બતાવી હાથ-પગ દોરીથી બાંધી દીધા બાદ કાઉન્ટરમાંથી રૂ.75,550 રોકડ, મોબાઇલ અને દુકાન બહારથી ઇકો ગાડી લઇ ભાગી ગયા હતા. તપાસમાં ગાડી અને મોબાઇલ બિનવારસી મળી આવ્યા હતા.

બહુચરાજીમાં દેથલી રોડ પરની અક્ષરધામ સોસાયટીમાં રહેતા જેરામભાઇ કાનજીભાઇ ઓડ વિરમગામ હાઇવે પર એસ્સાર પંપની સામે નીલકંઠ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.9માં મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગુરુવારે રાત્રે 8-30 વાગે જેરામભાઇ નિત્યક્રમ મુજબ હિસાબ કરી ઘરે જવાની તૈયારી કરતા હતા, ત્યારે ત્રણ અજાણ્યા હિન્દી ભાષી યુવકો મોઢે માસ્ક બાંધીને દુકાનમાં આવ્યા હતા અને રૂ.1000 મની ટ્રાન્સફર કરાવી દુકાન બહાર જઇ તરત ફરી દુકાનમાં ઘૂસ્યા હતા. જેરામભાઇ કંઇ સમજે તે પહેલાં ધક્કો મારી નીચે પાડી રિવોલ્વર જેવું હથિયાર બતાવી હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા.

બાદમાં કાઉન્ટરમાંથી રૂ.75,550 રોકડ તેમજ કાઉન્ટર ઉપર પડેલો મોબાઇલ અને દુકાન બહારથી ઇકો ગાડી લઇ ભાગી ગયા હતા. દરમિયાન, જેરામભાઇએ જાતે હાથે-પગે બાંધેલી દોરી છોડી આજુબાજુના વેપારીઓ તેમજ પોલીસને જાણ કરતાં લુટારુઓની શોધખોળ હાથ ધરાઇ હતી. દુકાન કે આસપાસ સીસીટીવી કેમેરા નથી, જ્યારે પેટ્રોલપંપના કેમેરા દૂર હોઇ કંઇ ન દેખાતાં પોલીસ મૂંઝવણમાં મૂકાઇ છે. બહુચરાજી પોલીસે 3 શખ્સો સામે લૂંટનો ગુનો નોંધ્યો છે.

બનાવને પગલે એસપીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ
બહુચરાજીમાં બનેલી લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે શનિવારે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સ્થાનિક પોલીસને જરૂરી સૂચના આપી હતી. દરમિયાન, ડીવાયએસપી, એલસીબી સહીતની ટીમો તપાસમાં જોડાઇ હતી.

ગાડી, મોબાઇલ હાંસલપુર નજીકથી મળી આવ્યા
લૂંટ ચલાવ્યા બાદ ત્રણે લુટારુ વિરમગામ હાઇવે પર ભાગ્યા હોઇ તે દિશામાં તપાસ કરતાં હાંસલપુર અને સીતાપુર ગામની વચ્ચેથી ઇકો ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જ્યારે મોબાઇલ હાંસલપુર પાસે બાવળની ઝાડીમાં ફેંકી દીધેલો મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...