ફરિયાદ:પાણી રોકવાની ના પાડતાં 3 ખેડૂતોએ ચોકીદારને ધક્કો મારી કેનાલમાં ફેંક્યો

બહુચરાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામની સીમમાં બનેલ ઘટના

બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામની સીમમાં નર્મદાની સુરપુરા માઇનોર કેનાલમાં આડશ મૂકી પાણી નહીં રોકવા કહેતાં ઉશ્કેરાયેલા ત્રણ ખેડૂતોએ ચોકીદારને લાકડીઓથી માર મારી ધક્કો મારી કેનાલમાં ફેંકી દેતાં ઇજા પહોંચી હતી. મહેસાણા સિવિલમાં દાખલ ચોકીદારે આ મામલે ઇટોદાના ત્રણ ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી છે. સુરપુરા માઇનોર કેનાલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા બહુચરાજી તાલુકાના વેણપુરા ગામના સુરેશ લાલજી ઠાકોર ખાંભેલની સીમમાં ઇટોદા તરફ જતી માઇનોર કેનાલમાં આડશ મૂકી પાણી રોકેલું હોઇ ચેક કરવા માટે ગયા હતા.

ત્યારે ઇટોદા ગામના રાજુજી વિહાજી ઠાકોર, કિરણજી ભાવુજી ઠાકોર અને વિપુલજી ઠાકોરે રાત્રે નર્મદાનું પાણી લઇશું તારે જે થાય તે કરી લેજે તેમ કહેતાં ચોકીદાર સુરેશજીએ બીજા ખેડૂતોને પાણીનો વારો આવવા દો તેમ કહી સમજાવવા જતાં ત્રણેય જણાએ લાકડીઓથી મારી ધક્કો મારતાં તેઓ કેનાલમાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. જેમને અન્ય ચોકીદાર કનુભાઇ દેસાઇની ગાડીમાં સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કરાયા હતા. સુરેશજી ઠાકોરે ઇટોદા ના રાજુજી વિહાજી ઠાકોર, કિરણજી ભાવુજી ઠાકોર અને વિપુલજી ઠાકોર વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...